Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પત્નિ-સાસુએ અરજીઓ કરતાં રૈયાધારના જયેશનો પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ

મહિલા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પગલુ ભરતાં સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૧૮: રેયા ધાર રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં જયેશ રતિલાલ વડીયાતર (ઉ.૩૫) નામના દલિત યુવાને મહિલા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ઝેરી દવા પી લેતાં પોલીસ વેનમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નિ-સાસુના ત્રાસથી પગલું ભર્યાનું આ યુવાને રટણ કર્યુ હતું.બપોરે મહિલા પોલીસ મથકના કમ્પાઉન્ડમાં એક યુવાન ઉંધો પડ્યો હોઇ કોઇ કર્મચારી જોવા જતાં તેણે ઝેરી દવા પીધાનું જણાતાં મહિલા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એસ. એન. ગડુ સહિતે તાકીદે તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

જયેશના કહેવા મુજબ તે બે ભાઇમાં નાનો છે અને દસ વર્ષ પહેલા રૈયાધારની જ હેતલ નામની યુવતિ સાથે લગ્ન કર્યા છે. સંતાનમાં એક પુત્રી છે. દસેક દિવસથી પત્નિ માથાકુટ થતાં તેના માવતરે જતી રહી છે.  ત્યાં ગયા પછી બે વખત પોતાના વિરૂધ્ધ પત્નિએ અને સાસુએ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હેરાન કરવાનું શરૂ કરતાં પોતે કંટાળી જતાં આજે મહિલા પોલીસ મથકે ઝેરી દવા લઇને પહોંચ્યા બાદ કમ્પાઉન્ડમાં ઝેર પી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)