Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મેડીકલ પોલીસ અન્વયે ડોકટરે આપેલ પ્રમાણપત્રને અવગણી શકાય નહીં : ચુકાદો

જીલ્લા ફોરમના હુકમ સામેની વિમા કંપનીની અપીલ ફગાવાઇ

રાજકોટ તા ૧૮  :  જિનેટિકલ ડિસોર્ડરનું કારણ ધરી વીમો ચુકવવાની ના પાડનાર વિમા કંપનીને જીલ્લા ફોરમ તથા રાજયકમિશને લપડાક મારી સારવાર આપનાર ડોકટરનું પ્રમાણપત્ર અવગણી શકાય નહિ તેવો મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની હકીકત જોતા વીમાધારક વિજયભાઇ સંઘાણીને સતત  થાક લાગવાની ફરિયાદ રહેતા રાજકોટની સ્ટર્લિગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને હોસ્પિટલ દ્વારા નિદાન કરવામાં આવેલ કે વિજયભાઇને એનોરેકસીયા વીથ પેડલ ઓડિમાની તકલીફ છે. નિદાન બાદ વિજયભાઇ હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લઇ સાજા થઇ ગયેલ, પરંતુ થોડા સમય પછી ફરીથી તકલીફ વધતા પુનઃ હોસ્પિટલમાં દાખલ થયેલ, જયાં સારવાર દરમિયાન  જ વિજયભાઇનું અવસાન થયેલ. વિજયભાઇ મેડીકલેમ પોલીસી લીધેલ હતા, તેથી તેમના ધર્મ પત્ની પુજાબેન દ્વારા વીમા કંપની સમક્ષ કલેઇમ દાખલ કરવામાં આવેલ, પરંતુ વીમા કંપનીએ વિજયભાઇની બીમારીને જિનેટીકસ ડિસોર્ડર ગણી વીમા પોલીસીની એકસકલુઝન કલોઝીસને આધારે વીમો ચુકવવા નનૈયો ભણી દીધો. વીમા કંપનીના આવા વલણથી નારાજ થઇ પુજાબેન દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડીશ્નલ) સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવેલ. નામદાર ફોરમ સમક્ષ ફરિયાદનું કામ ચાલી જતા ફરિયાદ પક્ષ અને વીમા કંપની બંનેની રજુઆતો પુરાવાઓ, દલીલો ધ્યાને લઇ ફરીયાદીની તરફેણમાં ચુકાદો આપતા જિલ્લા ફોરમના પ્રમુખ સી.એચ. પટેલ તથા સભ્યશ્રી જે.આઇ. રાવલની બેન્ચ દ્વારા એવું તારણ આપવામાં આવેલ કે ફરિયાદ પક્ષે વીમાધારકની બીમારી ના સમર્થનમાં સારવાર આપનાર ડોકટરનું પ્રમાણપત્ર પણ રજુ કરવામાં આવેલ હોય ડોકટરી પ્રમાણપત્રને અવગણી શકાય નહીં. ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપતા ફોરમે સારવાર ખર્ચની રકમ રૂા ૨,૯૫,૮૦૫/- વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે ચુકવવા તથા માનસિક ત્રાસના રૂપિયા ૨૦૦૦૦/ અને ફરિયાદ ખર્ચના રૂપિયા પ૦૦૦ ચુકવવા હુકમ કરેલ હતો.

વિમા કંપનીએ આ રકમ ચુકવવાને બદલે જીલ્લા ફોરમના હુકમ સામે રાજય કમિશન સમક્ષ અપીલ કરેલ હતી. પણ વીમા કંપનીએ કરેલ અપીલ ટકી શકી ન હતી અને આ  ફોરમનો હુકમ યથાવત રહેતા વીમા કંપનીએ જિલ્લા ફોરમના ૨૦૧૪ના હુકમને અનુસરતા ૨૦૧૯માં વીમાધારકને રૂા ૨૯૫૮૦૫/-ની સામે રૂા ૪૭૧૬૬૭/- ચુકવવા પડેલ. આ કામમાં વીમાધારક પૂજાબેન સંઘાણી વતી જિલ્લા ફોરમ સમક્ષ એડવોકેટ ડી.બી. વસાવડા તથા રાજયકમિશન સમક્ષ ગજેન્દ્ર જાની અને મિહીર પાઠક રોકાયેલ હતા.

(3:39 pm IST)