Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

બીએસએનએલ પેન્શનર્સ એસો. દ્વારા ફેમીલી પેન્શનર્સ અંગે દેખાવોઃ વડાપ્રધાનને મેઈલ કરાયા

રાજકોટ, તા. ૧૮ :. તા. ૧-૧-૨૦૧૭થી બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સ રીવીઝન કરવાની માંગણીનો ઉકેલ આવેલ નથી. મોદી સરકાર-૧ તથા મોદી સરકાર-૨ તથા સક્ષમ અધિકારીશ્રીઓ સમક્ષ પણ આ અંગે રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં હજુ આ પ્રશ્ન અધ્ધરતાલ રહેલ છે, જે હલ થયેલ નથી.

ભારત સરકારનું પેન્શન મંત્રાલય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હસ્તક અને સંચાર મંત્રાલય રવિશંકર પ્રસાદ હસ્તક હોઈ આ બન્ને મહાનુભાવોને ભારતભરની ઓલ ઈન્ડીયા બીએસએનએલ ડોટ પેન્શનર્સ એસોસીએશનની રાજ્ય તથા જીલ્લા શાખાઓએ તા. ૧૨ના દેખાવો યોજી અને માંગણી અંગે યોગ્ય કરવા ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે.

બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સએ કોલ એટેન્શન ડેના તા. ૧૨-૯-૨૦૧૯ના દેખાવો યોજી આક્રોશ વ્યકત કરેલ હોવાનું શ્રી મનુભાઈ ચનિયારા  ગુજરાતના સર્કલ સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડ કવાર્ટરના સંગઠન મંત્રીએ જણાવેલ. બીએસએનએલએ બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના પેન્શન તથા પેન્શન રીવીઝન માટે સરકારને પેન્શન ફંડ માટેની રકમ અન્ય કેન્દ્રીય કર્મચારીઓ જેમ જ રકમ જમા કરાવેલ હોવા છતાં કેન્દ્ર સરકારે બે વર્ષ આઠ માસ પછી પણ આ અંગે નિર્ણય લીધેલ ન હોવાથી પ્રશ્ન હલ થયેલ નથી.

સરકારે સિનીયર સીટીઝનના પ્રશ્નને અગ્રતા આપવી જોઈએ. સિનીયર સિટીઝનોએ પોતાના પ્રશ્નોને લઈ રોડ ઉપર દેખાવો કરવા પડે તે શું યોગ્ય છે ? આમ છતા ભારતભરમાંથી અને ગુજરાતભરમાંથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, કચ્છ ભૂજ, જામનગર, ભરૂચ, મહેસાણા, પાલનપુર, નડિયાદ, જૂનાગઢ, વલસાડ, સુરેન્દ્રનગર વિગેરે સ્થળોએ બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના પેન્શન રીવીઝનના દેખાવો યોજી અને માંગણી અંગે યોગ્ય કરવા વડાપ્રધાન તથા સંચારમંત્રીને ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે.

(3:23 pm IST)