Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ગીતા દર્શન : નિષ્કામ કર્મ : ઓશોની નજરે

ફળની ઇચ્છા વિનાનું કર્મ હોઇ જ ન શકે તેવો પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોનો દાવો છે. પરંતુ ગીતામાં કૃષ્ણ નિષ્કામ કર્મ ઉપર ભાર મૂકે છે. આપણે જન્મોજન્મથી રાગ વિરાગથી જ કામ કરવા ટેવાયેલા છીએ. સંસારમાં રહેવું એ રાગ છે તો સંસાર છોડી સન્યાસી બનવુ વિરાગ છે તે પણ કર્મ છે. આપણો ત્યાગ પણ કહેવાતા કર્મથી વિરૂધ્ધ છે પણ છે તો કર્મ જ ! જયાં  કંઇપણ પામવાની, મેળવવાની અપેક્ષા છે, પછી તે ભગવાન કે ઇશ્વર મેળવવાની જ કેમ ન હોય !  તો પણ તે કર્મ છે, સકામ કર્મ છે, માત્ર સંસારના જ કર્મ, કર્મ નથી જયારે કૃષ્ણ નિષ્કામ કર્મની વાત કરે છે ત્યારે તે પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોની સમજ બહાર છે. હવે તો પશ્ચિમના રંગે રંગાયેલા આપણા લોકો માટે  પણ સમજની બહાર છે. કૃષ્ણ પ્રત્યેના અહોભાવના કારણે હસીને સાંભળી લઇએ છીએ પણ ઉંડે ઉંડે અસ્વીકૃતિ ઉભી થાય છે અથવા તેનુ અર્થઘટન બદલી નાખીએ છીએ જેમકે પરમાત્મા પામવા એ કર્મ નથી તેવુ સમજાવીએ છીએ પરંતુ આ નિષ્કામકર્મ પુસ્તકમાં આપણી આ જાતની રમતને પણ ઓશો ખુલ્લી કરીને મુકી દે છે. છટકવાનો રસ્તો બંધ કરી દે છે અને પછી સમજાવે છે નિષ્કામ કર્મનું રહસ્ય !

આપણને કર્મમાં આનંદ નથી હોતો, આપણો આનંદ કર્મથી મળતા અથવા મળનાર ફળ સાથે જોડાયેલો છે. આપણને વેપાર કે ઉધમમાં રસ નથી હોતો પણ તેનાથી મળનાર નફામાં કે પરિણામમાં રસ હોય છે જેથી આપણા દરેક કર્મ કામ સકામ હોય છે. પરમાત્મા મેળવવાના પ્રયત્નમાં પણ મુકિત મેળવવી કે સ્વર્ગ મેળવવુ કે આનંદ મેળવવા ઓબજેકટ હોય છે હેતુ હોય છે તેથી તે કર્મ કૃત્ય કાર્ય સકામ બની જાય છે જયારે આપણને માત્રને માત્ર કર્મમાં જ આનંદ હોય ત્યારે નિષ્કામ કર્મ બને છે. પરિણામ સાથે કોઇ લેવા દેવા નથી હોતી ત્યારે તે નિષ્કામ કર્મ બને છે. જેમકે આપણે ચાલવા નિકળ્યા હોય ત્યારે બાળકો અર્થ વિનાની દોડાદોડી કરે રમતો રમતા હોય ત્યારે જે કામ નિષ્પન્ન થાય છે તે નિષ્કામ કર્મ છે એ વાત જૂદી છે કે હવે તો મંદિર જવું કે રમત રમવી પણ સકામ થઇ ગયા છે.

જે વર્તમાનમાં જીવે છે, જે ક્ષણેક્ષણમાં જીવે છે તે જ માત્ર નિષ્કામ કર્મ કરી શકે છે કારણ કે તેના માટે તે ક્ષણમાં હોવુ જ આનંદ છે અને જે કૃત્યમાં કર્મમાં આનંદ લઇ શકે છે તે જ માત્ર પરિણામમાં આનંદ મેળવવાનો હકદાર બને છે જે પરિણામમાં આનંદ મેળવવાની આશાએ કર્મને કરે છે અથવા સાચા શબ્દોમાં કહીએ તો ખેંચે છે તેનુ પરિણામ પણ તેવુ જ હોય છે આનંદ વિનાનુ, પ્રાણ વિનાનું !

આ પુસ્તક આપને આનંદ આપશે, તમે પણ તેના શબ્દ શબ્દને નિષ્કામ કર્મની જેમ વાચો પછી જુઓ કેવો છે નિષ્કામ કર્મનો આનંદ !

પુસ્તક : ગીતા દર્શન : નિષ્કામ કર્મ  (હિન્દી ગીતાદર્શન અધ્યાય - પ)

ઓશો પ્રવચનોનું ગુજરાતી ભાષાંતર પેઇજ : ૩૧૬ કિમત રૂ. ૨૬૦

પ્રકાશક : દક્ષા પટેલ, ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ, 'તથાતા', ૩૩/બી, નંદીગ્રામ સોસાયટી-૨, સિંધવાઈ માતા રોડ, પ્રતાપનગર, વડોદરા - ૩૯૦૦૦૪ (ગુજરાત- ભારત), ટેલીફોન - ૨૬૫:૨૫૮૦૩૩૬.

રાજકોટ પ્રાપ્તિ સ્થાન

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૮ વૈદવાડી, ડી માર્ટની પાછળ, રાજકોટ. સ્વામિ સત્ય પ્રકાશઃ-૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડઃ- ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:21 pm IST)