Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

રેલ્વે પોલીસે ટ્રેનમાં આવેલા ૭૦૮ બોટલ દારૂના ૨૧ પાર્સલ પકડ્યાઃ હાથીખાનાના ઇમરાન ઉર્ફ ગઢવી અને યુપીના અજયની શોધખોળ

શહેર ક્રાઇમ બ્રાંચે ટ્રેન મારફત આવેલા દારૂ સાથે બે શખ્સને પકડ્યા બાદ રેલ્વે પોલીસ સફાળી જાગી : શહેર ક્રાઇમ બ્રાંચે જે બે શખ્સ મુસ્તાક અને દાનીસને પકડ્યા તે રિમાન્ડ પરઃ તેણે પણ માલ મંગાવનાર તરીકે ઇમરાન ઉર્ફ ગઢવીનું નામ આપ્યું: રેલ્વે પોલીસે કુલ ૨,૫૭,૪૦૦નો દારૂ કબ્જે કર્યો : કાચની ક્રોકરીના પાર્સલના નામે હરિયાણાના અંબાલા કેન્ટથી દારૂના પાર્સલો આવ્યાનું ખુલ્યું

રાજકોટ તા. ૧૮: શહેર ક્રાઇમ બ્રાંચના એસીપી જે.એચ. સરવૈયાની ટીમે જંકશન રોડ પરથી છોટા હાથીમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલા  મુસ્તાક ઇસ્માઇલભાઇ ભાલેજાવાલા (ઉ.૩૮-રહે. ગોૈતમનગર-૩, અક્ષર માર્ગ લક્ષ્મીનગર પાસે સદ્દગુરૂ પાર્ક સામે) તથા દાનીસ જુબેરભાઇ દસાડીયા (ઉ.૨૧-રહે. હાથીખાના-૭)ને પકડ્યા હતાં. રિમાન્ડ મંજુર થતાં પુછતાછમાં બંનેએ માલ મંગાવનાર તરીકે ઇમરાન ઉર્ફ ગઢવી જાહીદભાઇ સમા (રહે. હાથીખાના-૪, વોંકળા કાંઠે)નું નામ આપ્યું છે. દારૂના પાર્સલો કાચની ક્રોકરીના બીલ પર જમ્મુ તાવી ટ્રેનમાં હરિયાણાના અંબાલા કેન્ટથી આવ્યાનું પણ ખુલ્યું હતું. ટ્રેનમાં આટલો મોટો દારૂનો જથ્થો આવ્યાની વાતથી રેલ્વે પોલીસ પણ સફાળી જાગી હતી અને તપાસ શરૂ કરતાં વધુ આવો જથ્થો આવનાર હોવાની માહિતી મળતાં ગત સાંજે સાડા સાતે પ્લેટ ફોર્મ નં. ૨ ઉપર આવેલી જમ્મુ-તાવી ટ્રેનના પાર્સલ વેનમાં તપાસ કરતાં ૨૧ શંકાસ્પદ પાર્સલ મળ્યા હતાં. જે ખોલીસને જોતાં થર્મોકોલના બોકસમં કાચની ક્રોકરીના નામે છુપાવાયેલી દારૂની ૭૦૮ બોટલો (રૂ. ૨,૫૭,૪૦૦)ની મળી આવી હતી.

રેલ્વે પોલીસે તપાસ કરતાં આ દારૂ અજયકુમાર રામચંદ્ર યાદવ (રહે. અલમઉ જુડઉપર જગન્નાથપુર, ગોપી ગંજ ઉત્તરપ્રદેશ)ના નામે હાથીખાના-૪માં વોંકળા કાંઠે રહેતાં ઇમરાન ઉર્ફ ગઢવી જાહીદભાઇ સમા (ઉ.૩૦)એ મંગાવ્યાનું ખુલતાં બંને સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. શહેર ક્રાઇમ બ્રાંચ પણ ઇમરાન ઉર્ફ ગઢવીને શોધી રહી છે. પરમ દિવસે ક્રાઇમ બ્રાંચે જે પાર્સલ સાથે છોટા હાથી પકડ્યું એ પહેલા બીજો માલ અન્ય વાહનોમાં જતો રહ્યાની પણ શંકા છે.

ગઇકાલે રેલ્વે પોલીસ મથકના પી.આઇ. એલ. એચ. ભુવા, એલસીબી પીએસઆઇ બી. ડી. રાઠવા, એએસઆઇ હરિશ્ચંદ્રસિંહ સજુભા, હેડકોન્સ. રામજીભાઇ, સરફરાજહુશન, રિયાઝભાઇ કાઝી, જયવિરસિંહ, તેજસભાઇ, વાલજીભાઇ, કાંતિલાલ, સિધ્ધરાજસિંહ, હિતેષભાઇ, દિલીપભાઇ સહિતે આ કામગીરી કરી હતી.   ઇમરાન ઉર્ફ ગઢવી ઝડપાયા બાદ તે કેટલાક સમયથી આ રીતે દારૂનો જથ્થો મંગાવતો હતો અને કોના મારફત આ દારૂ આવતો હતો? તે સહિતની વિગતો બહાર આવશે.

(1:17 pm IST)