Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કોઠારીયા સોલવન્ટમાં બિહારી નવોઢા સપનાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પતિ હાલ દિલ્હી કામ કરે છેઃ ૧૭ વર્ષની હોઇ લગ્ન કર્યા હોઇ મા-બાપે ૧૮ વર્ષની થાય પછી મોકલશું તેમ કહેતાં માઠુ લાગ્યું

રાજકોટ તા. ૧૮: કોઠારીયા સોલવન્ટ સિતારામ સોસાયટી પાછળ શિવમ્ સોસાયટી-૩માં રહેતી સપના ક્રિષ્ના ઠાકુર (ઉ.૧૭) નામની લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

સપનાએ ગઇકાલે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આસુન્દ્રા અને કલ્પેશભાઇ ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ સપનાનો પરિવાર મુળ બિહારના છે. જ્ઞાતિના રિવાજ મુજબ સપનાના લગ્ન સગીર વયે જ ક્રિષ્ના સાથે થયા છે. પતિ ક્રિષ્ના હાલ દિલ્હીમાં રહી કામ કરે છે. રિવાજ મુજબ તેણી ૧૮ વર્ષની થાય પછી સાસરે મોકલવાની હોય છે. પરંતુ સપનાએ સાસરે જવાની જીદ કરી હોઇ માતા-પિતાએ ના પાડતાં માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. તેણી બે ભાઇ અને ચાર બહેનમાં મોટી હતી. ગઇકાલે બપોરે માતા-પિતા-બહેન સહિતના પરિવારજનો બહાર ગયા હતાં ત્યારે તેણીએ ફાંસો ખાઇ લીધો હતો. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું.

(1:17 pm IST)