Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પહેલા નાગરીકોને પુરતી સુવિધા તો આપો, ટ્રાફીકના કાયદાનો વિરોધ કરવા લોકઆંદોલન શરૂ કરાશે

ટ્રાફીક સુધારા વિરોધી લડત સમિતિની રચનાઃ બેઠક મળી

રાજકોટ,તા.૧૮: સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની રાજકોટ શહેર શાખા દ્વારા ગઈકાલે નવા ટ્રાફિક નિયમો અનુસાર દંડની ભારે જોગવાઈઓ સામે પ્રજાકીય લડત શરૂ કરવાનાં આશય સાથે વિવિધ બિનરાજકીય સંસ્થાઓ અને વેપારી મંડળોની એક બેઠક  રેસકોર્ષ ખાતે બોલાવવામાં આવેલ. જેમાં ડેમોક્રેટીક એકશન ગ્રુપનાં સંયોજક રાજેન્દ્રસિંહ જાડેજાનો સંયોજકપદે ૧૧ સભ્યોની ટ્રાફિક સુધારા વિરોધી લડત સમિતિની રચના કરવામાં આવેલ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં અગ્રણીઓ યશવંતભાઈ જનાણી, જયંતીભાઈ કાલરીયા અને શહેર પ્રમુખ રાજેશભાઈ ગોંડલીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ટ્રાફિક કાયદામાં થયેલ સુધારા સામે સખત વિરોધ સાથે આક્રોશ વ્યકત  કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં ચર્ચાનો પ્રારંભ કરતા તખુભા રાઠોડે જણાવ્યું હતું કે ટ્રાફિક સુધારાઓને કારણે પ્રજાકીય આકોશને વાચા આપવા આપણે બધા ભેગા મળીને બિનરાજકીય રીતે એક વગદાર પગલા સમિતિની રચના કરવી જોઈએ. ગ્રાહક સુરક્ષા મંડળનાં મુખ્ય સંયોજક એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ હેલ્મેટને કારણે ઉભી થતી તકલીફો સામે આક્રોશ વ્યકત કરતા જણાવેલ કે હેલ્મેટ કાયદો શહેરી વિસ્તારમાં ન હોવો જોઈએ.

લાખાજીરાજ રોડ વેપારી મહામંડળનાં પ્રમુખ મહેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે જયાં સુધી પુરતી નાગરિક સુવિધા ઉભી ન થાય ત્યાં સુધી ટ્રાફિક સુધારા અમલને મુલતવી રાખવા જોઈએ. કિશાન મોરચાના અગ્રણી દિલીપભાઈ સખીઆ એ જણાવ્યું હતું કે ટ્રાફિક સુધારા કાયદાનો વિરોધ કરવા પ્રચંડ લોક આંદોલન ઉભું કરવું જોઈએ. જંકશન પ્લોટ વેપારી મહામંડળનાં અગ્રણી ગૌરવભાઈ પુજારાએ જણાવેલ કે અમે જેમ જંકશન પ્લોટ બંધનું એલાન આપ્યું છે તેમ  પગલા સમિતિએ રાજકોટ બંધનું એલાન આપવું જોઈએ. ચર્ચામાં જીગ્નેશભાઈ કાલાવડીયા મુકેશભાઈ પારેખ, નીલેશભાઈ પરચાણીએ ઉપયોગી સુચાનો કાર્ય હતા.

 સૌરાષ્ટ્ર વિકાસ પરિષદનાં શહેર પ્રમુખ રાજેશભાઈ ગોંડલિયાએ ચર્ચાનું સમાપન કરતા જણાવેલ કે આપણે બધા સાથે મળી ટ્રાફિકનાં નવા સુધારેલા નિયમોનું સંગઠિત રીતે વિસેધ કરશું અને રાજય સરકાર ઉપર ગુજરાત રાજયમાં દંડની જોગવાઈઓ અને સુધારાઓ મુલતવી રહે તે માટે પ્રયત્ન કરશું.

રાજેન્દ્રસિંહ જદેનાના સંયોજકપદે રયાયેલ પગલા સમિતિમાં રાજેશભાઈ ગોંડલીયા, મહેશભાઈ મહેતા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, તખુભા રાઠોડ, દિલીપભાઈ, જયકીશનભાઈ આહુજા, જીજ્ઞેશભાઈ કાલાવડીયા, રમેશભાઈ હાપલીયા, જીમી અડવાણી, મહિપાલ સિંહ જાડેજા, પ્રભુદાસભાઈ મણવરનો સમાવેશ થાય છે. જેની બેઠક આવતી કાલે મળશે અને પ્રજાકીય આંદોલનનાં કાર્યક્રમો તૈયાર કરી ટ્રાફિક સુધારાનાં કારણે પ્રજાને પડતી હાડમારીઓને વાચા આપવા પ્રજાકીય લડતનાં મંડાણ કરશે. તેમ અંતમાં જણાવાયું છે.

આર.ટી.ઓ.માં નંબર પ્લેટ  લગાવવા વધારાના ચાર્જ ન ચુકવવા

રાજકોટઃ જુના વાહનો એચએસઆરપી પ્લેટ ફીટીંગ કરાવવા માટે સરકારશ્રી દ્વારા એક માસની મુદ્દત વધારવામાં આવેલ છે અને જેની અંતિમ તા.૧૬/૧૦ છે. વાહનવ્યવહાર કમિશ્નર કચેરી દ્વારા રાજયની તમામ આરટીઓ કચેરીને એચએસઆરપીના સ્થાનિક પ્રતિનિધીના સંકલનમાં રહીને તેઓના કાર્યક્ષેત્રમાં સ્થિત વિવિધ રહેણાંક વિસ્તારો/ સોસાયટીઓ / એપાર્ટમેન્ટ (રેસીડેન્ટ વેલ્ફેર એસોસીયેશન) વિગેરેનાં સંચાલકોનો સંપર્ક કરી મોટી સંખ્યામાં જુના વાહનોમાં એચએસઆરપીનું ફીટમેન્ટ થાય તે  માટે ખાસ સૂચના આપવામાં આવેલ છે. સરકારશ્રી દ્વારા નિયત કરેલ ફકત આરટીઓ/ એઆરટીઓ કચેરી ખાતે લેવાતા નિયત દર સિવાય કોઈપણ વધારાના નાણાં જેમ કે સર્વિસ ચાર્જ, સર્વિસ ટેક્ષ વગેરેના નામે ચુકવવાનાં નથી.

(11:42 am IST)