Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વ્યાજખોરોથી ત્રાસી વિજયનગરના પટેલ કારખાનેદાર વિપુલ સતાણીએ ઝેર પીધું

બે વર્ષ સુધી ત્રણ શખ્સોને સતત વ્યાજ ચુકવ્યું: ચારેક માસથી ધંધામાં મંદી આવતાં ન ચુકવી શકતાં આકરી ઉઘરાણી થતી'તી

રાજકોટ તા. ૧૮: કોઠારીયા રોડ વિજયનગર-૩માં રહેતાં અને વિરાણી અઘાટમાં ન્યુ માટેલ ઇન્ડસ્ટ્રીઝ નામે કારખાનુ ધરાવતાં વિપુલ કાનજીભાઇ સતાણી (ઉ.૩૨) નામના લેઉવા પટેલ યુવાને ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. વ્યાજખોરોની ધમકીને કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.

વિપુલ બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેના ભાઇ ચંદ્રેશભાઇ સતાણીના કહેવા મુજબ બે-અઢી વર્ષ પહેલા વિપુલે ત્રણ લોકો પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. જેમાં યુવરાજસિંહ પાસેથી ૧ાા લાખ ૧૦ ટકે, મહેશ પાસેથી ૧લાખ ૮ ટકે અને એક આહિર શખ્સ પાસેથી ૧ લાખ ૮ ટકે લીધા હતાં. ધંધાના કામ માટે આ રકમ લીધી હતી અને સતત બે વર્ષ સુધી ત્રણેયને નિયમીત વ્યાજ ચુકવ્યું હતું. પણ હાલમાં ચારેક માસથી ધંધામાં સાવ મંદી આવી ગઇ હોઇ જેથી વ્યાજ ચુકવી શકાયું નહોતું. આ કારણે ત્રણેયે વ્યાજની આકરી ઉઘરાણી શરૂ કરી ધાકધમકીઓ આપવાનું ચાલુ કર્યુ હતું. તેનાથી કંટાળીને તેણે આ પગલુ ભર્યુ છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:54 pm IST)