Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ગુંદાવાડી હોસ્પિટલમાં સોનોગ્રાફી વિભાગમાં રેડિયોલોજીસ્ટની નિમણુંક કરોઃ ખોયાણી

વર્ષોથી આ જગ્યા ખાલીઃ અનેક રજૂઆતો થઇ પણ નિવેડો આવ્યો નથીઃ આ કારણે સગર્ભાઓને ફરજીયાતપણે સોનોગ્રાફી કરાવવા બહાર જવું પડે છે :૨૦ દિ'માં યોગ્ય ન થાય તો લોહીયાણ રજૂઆત

રાજકોટ તા. ૧૮: શહેરના ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા ઝનાના હોસ્પિટલમાં છેલ્લા છ વર્ષથી સોનોગ્રાફીના રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી પડી હોઇ મહિલા દર્દીઓ અને તેના સગાને ભારે હાલાકી સહન કરવી પડે છે. આ મામલે વારંવાર સંબંધીત તંત્રને રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહી ન થતાં જીવદયા કાર્યકર મુકેશ ખોયાણી (પટેલ)એ જીલ્લા કલેકટરશ્રીને આ બાબતે રજૂઆત કરી યોગ્ય કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી હોવાથી સગર્ભાઓને સોનોગ્રાફી કરાવવા બહાર મોકલવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં સિઝેરીયન કે નોર્મલ ડિલીવરીના કેસમાં હજ્જારો રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. ત્યારે ગુંદાવાડી હોસ્પિટલમાં વિનામુલ્યે ડિલીવરી થઇ શકે તે માટે સગર્ભાઓને તેમના પરિવારજનો દાખલ કરતાં હોય છે. પરંતુ અહિ રેડિયોલોજીસ્ટ ન હોવાથી ફરજીયાતપણે સોનોગ્રાફી કરાવવા બહાર જવું પડે છે.

આ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીનો ઉપલબ્ધ કરાવી તાકીદે રેડિયોલોજીસ્ટની નિમણુંક કરવામાં આવે અને દર્દીઓ તથા તેમના સ્વજનોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી માંગણી છે. આ બાબતે વીસ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહિ આવે તો લોહીયાળ રજૂઆત થશે તેવી ચિમકી ખોયાણીએ ઉચ્ચારી છે.

(3:52 pm IST)