Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ધર્મેન્દ્રસિંહજી કેમ્પસમાં આવેલ પાંચેય સબ રજીસ્ટ્રાર ઝોન કચેરીમાં દસ્તાવેજની કાર્યવાહી બે દિવસથી ઠપ્પ !

દસ્તાવેજ કચેરીની કનેકટીવીટી સીએમના કાર્યક્રમમાં ઉપયોગ થયા બાદ કનેકટીવીટી ગાયબ થઈ જતા અરજદારો અને વકીલોમાં દેકારોઃ ૨૦૦થી ૨૫૦ દસ્તાવેજોના થપ્પા

રાજકોટ, તા. ૧૮ :. ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલ અલગ અલગ પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીમાં છેલ્લા બે દિવસથી કનેકટીવીટીના અભાવે દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઈ જતા પક્ષકારો અને વકીલોમાં દેકારો બોલી ગયો છે.

ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં આવેલ અલગ અલગ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન નં. ૩, ૪, ૫, ૬ તથા ૭માં ગઈકાલથી જી-સ્વાનની કનેકટીવીટીના અભાવે દસ્તાવેજ નોંધણીનુ કાર્ય છેલ્લા બે દિવસથી બંધ છે. રેવન્યુ ક્ષેત્રના વકીલોના જણાવ્યા મુજબ ગત શનિવારે હેમુ ગઢવી હોલમાં યોજાયેલ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમમાં દસ્તાવેજ કચેરીઓના કનેકટીવીટીના વાયરનો ઉપયોગ થયા બાદ ફોલ્ટ સર્જાતા છેલ્લા બે દિવસથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઈ ગયુ છે. બે દિવસથી દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ થઈ જતા વકીલો અને પક્ષકારોને ધરમના ધક્કા થાય છે. તેમજ પાંચેય ઝોન કચેરીના ૨૦૦ થી ૨૫૦ દસ્તાવેજોના નોંધણી માટે થપ્પા લાગી ગયા છે.

દરમિયાન બે દિવસથી દસ્તાવેજ નોંધણીનુ કાર્ય ઠપ્પ હોય રેવન્યુ બારના પ્રમુખ સી.એચ. પટેલ, એડવોકેટ રાજભા એચ. ઝાલા, વિજય ભટ્ટ તથા લીગલ સેલના કન્વીનર હિતેશ દવે સહિતના વકીલોએ બીએસએનએલ તથા જી-સ્વાનના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરતા આજે બપોર બાદ ફોલ્ટ નિવારવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે.

(3:43 pm IST)