Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

જયાં સુધી પેટ્રોલના ભાવ ૪૦ રૂ. ન થાય ત્યાં સુધી કાર ન ચલાવવા ભાજપના કાર્યકર-બિલ્ડર રમેશભાઇ રામાણીનો નિર્ણય

ધારાસભ્યો-હોદેદારો પણ પેટ્રોલ બચાવવાના અભિયાનમાં સામેલ થાય તે જરૂરીઃ વડાપ્રધાન પદે તો નરેન્દ્રભાઇ મોદી જ જોઇશે

રાજકોટ, તા., ૧૮: પેટ્રોલ-ડીઝલના ભળકે બળતા ભાવના કારણે લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહયા છે. ત્યારે રાજકોટના બિલ્ડર અને ભાજપના સક્રિય કાર્યકર રમેશભાઇ રામાણી (ટોપી)એ જયાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ૧ લીટરના ૪૦ રૂપીયા ન થાય ત્યાં સુધી કાર નહિ ચલાવવાનો નિર્ણય લઇને સાયકલ અને બાઇક ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે રમેશભાઇ રામાણીએ અકિલાને જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૧૮-૧૮ કલાક કામ કરે છે અને દેશની ચિંતા કરી રહયા છે. ત્યારે દરેક લોકોની ફરજ છે કે પેટ્રોલનો બચાવ થાય તો પેટ્રોલના ભાવ ઘટે તેથી વાહનોનો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ. કારણ કે  વડાપ્રધાન તરીકે આપણે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદી જ જોઇશે.

વોર્ડ નં. ૧૭ના સક્રિય કાર્યકર રમેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે રાજકોટ ભાજપ જેવી જાગૃતતા અન્ય કોઇ શહેરોમાં નથી. તેથી પક્ષના હિતમાં અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને સપોર્ટ કરવા તેમજ ભાવ વધારા મુદ્દે અન્ય કોઇ પક્ષ વિરોધ વંટોળ કરે તે પહેલા લોકોએ પેટ્રોલ-ડીઝલનો જરૂરીયાત મુજબ જ ઉપયોગ કરવો જોઇએ.

રમેશભાઇ રામાણીએ વધુમાં જણાવ્યું કે ભાજપ-કોંગ્રેસના પ૦ ટકા ધારાસભ્યો, સાંસદો અને હોદેદારો કોઇ કામ જ કરતા નથી. જેના કારણે પક્ષ માટે મત માંગવા જતા ભાવવધારા સહિતના મુદ્દે લોકોનો આક્રોશનો સામનો કરવો પડે છે. ત્યારે જો આજથી જ આ મુદ્દે અભિયાન ચલાવશું તો ભવિષ્યમાં સફળતા મળશે. રમેશભાઇ રામાણીના વોર્ડમાં યુવકોએ અઠવાડીયામાં એક દિવસ બાઇક ન ચલાવવા નિર્ણય લીધો છે. જયારે બિલ્ડર અને ભાજપના સક્રિય કાર્યકર રમેશભાઇ રામાણીએ જયાં સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ ૪૦ રૂપીયા ન પહોંચે ત્યાં સુધી સાયકલ કે બાઇકનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સમાજ માટે ઉતમ સંદેશો આપનાર રમેશભાઇ રામાણીના મો. નં. ૯૩૭પ૭ ૧૧૧૮૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:33 pm IST)