Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

લૂંટ, ચોરી, ચિલઝડપના ૫૦ ગુનામાં સંડોવાયેલો શકિત ઉર્ફ ટબૂડી પકડાયો

ભકિતનગર પોલીસે બે શખ્સને પકડ્યા બાદ નામ ખુલ્યું'તું : ક્રાઇમ બ્રાંચના સામતભાઇ, ભરતભાઇ અને પુષ્પરાજસિંહની બાતમી પરથી પકડી લેવાયોઃ ચિલઝડપના ગુનામાં વોન્ટેડ હતો

રાજકોટ તા. ૧૮: ભકિતનગર પોલીસે બે શખ્સો મનહરપરાના સુરેશ ઉર્ફ સુનિલ ઉર્ફ ચોટો હરિભાઇ બાબરીયા (ઉ.૨૮)અને અંબિકા સોસાયટીના મુકેશ વજુભાઇ પરમાર (ઉ.૨૦)ને સોરઠીયાવાડી સર્કલ પાસેથી બાઇક સાથે પકડી લઇ આકરી પુછતાછ કરતાં આ બાઇક ચોરી કર્યાનું અને ત્ણ ચિલઝડપ કર્યાનું કબુલ્યું હતું. તેમજ આ ગુનામાં નામીચો શકિત ઉર્ફ ટબુડી સોલંકી પણ સામેલ હોવાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન શકિત ઉર્ફ ટબુડી વિનુભાઇ સોલંકી (ઉ.૩૫-રહે. મનહરપરા-૭, રામનાથ મંદિર પાસે)ને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે.

ક્રાઇમ બ્રાંચના સામતભાઇ ગઢવી, ભરતભાઇ વનાણી અને પુષ્પરાજસિંહ પરમારને મળેલી બાતમી પરથી ચુનારાવાડ ચોક ડાભી હોટેલ પાસેથી શકિતને સકંજામાં લઇ લેવાયો હતો. આ શખ્સ અગાઉ રાજકોટ શહેર તેમજ જુનાગઢ, ટંકારા, વાંકાનેર, ગોંડલ, મોરબી સહિતના ગામો-શહેરોમાં ત્રણ લૂંટ, સાત વાહનચોરી, ત્રીસ પાંત્રીસ ચિલઝડપના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા અને પી.આઇ. એચ. એમ.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતભાઇ, સામતભાઇ, જયંતિભાઇ ગોહિલ, પુષ્પરાજસિંહ, સંજયભાઇ કુમરખાણીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(2:28 pm IST)