Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

મોરબી રોડ પર ફેસબૂક ફ્રેન્ડના બાઇક પરથી પટકાયા બાદ ટ્રકની ઠોકરે ચડીઃ સરપદડની આશુતિ પટેલનું મોત

મુળ જોધપરનો પટેલ યુવાન મયંક ગઢીયા (ઉ.૨૧) અને આશુતિ સવારે હોસ્પિટલ ચોકમાં ભેગા થયા બાદ મારવાડી કોલેજ તરફ આટો મારવા ગયા'તાઃ પરત આવતી વખતે બનાવઃ યુવતિને કચડીને ભાગેલો ટ્રક ચાલક પણ સકંજામાં કાળનો કોળીયો બનેલી લેઉવા પટેલ યુવતિ રાજકોટ બીબીએનો અભ્યાસ કરતી હતી

અકસ્માત સ્થળે યુવતિનો નિષ્પ્રાણ દેહ, તથા તેનો ફાઇલ ફોટો અને યુવાનનું બાઇક તથા કાર્યવાહી માટે પહોંચેલો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર બેડી ચોકડી નજીક મામાસાહેબના મંદિર નજીક પડધરીના સરપદડની લેઉવા પટેલ યુવતિ પોતાના ફેસબૂક ફ્રેન્ડના બાઇક પાછળથી  પડી ગયા બાદ પાછળ આવતાં ટ્રકની ઠોકરે ચડતાં કચડાઇ જતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાયા બાદ ચાલક ટ્રક લઇ નીકળી ગયો હતો. જો કે પોલીસે તેને શોધી લીધો હતો. જોધપુરનો પટેલ યુવાન અને સરપદડની યુવતિ સવારે હોસ્પિટલ ચોકમાં ભેગા થયા બાદ બાઇક પર બેસી મારવાડી કોલેજ સુધી આટો મારવા ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે યુવતિને કાળ ભેટી જતાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર મામા સાહેબના મંદિર પાસે સવારે ટ્રક અકસ્માતમાં એક યુવતિનું મોત નિપજ્યાની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર, હેડકોન્સ. અમૃતભાઇ રાઠોડ, કુવાડવાની પીસીઆરના સંજયભાઇ અને જીવણભાઇ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો. બનાવ સ્થળે યુવતિની માથું છુંદાઇ ગયેલી લાશ જોવા મળી હતી.

બનાવ સ્થળે એક યુવાન ઉભો હોઇ તેણે પોતાનું નામ મયંક જયંતિભાઇ ગઢીયા (પટેલ) (ઉ.૨૧-રહે. જોધપુર તા. ટંકારા) જણાવ્યું હતું. તેમજ મૃત્યુ પામનાર યુવતિ પોતાની ફેસબૂક ફ્રેન્ડ આશુતિ રમેશભાઇ ઘારડીયા (લેઉવા પટેલ) (ઉ.૨૦-રહે. સરપદડ, પડધરી) હોવાનું અને રાજકોટની ચોૈધરી હાઇસ્કૂલ પાસે કુંડલીયા કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં ભણતી હોવાનું જણાવતાં પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. મયંકે પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે હાલ રાજકોટ કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાછળ રહે છે અને અમીન માર્ગ પર મેડિકલ સ્ટોરમાં નોકરી કરે છે. પોતાને અને આશુતિને ફેસબૂક થકી ઓળખાણ થયા બાદ મિત્ર બન્યા હતાં. આજે સવારે પોતે નોકરી પર આવવા ઘરેથી નીકળ્યો હતો ત્યારે આશુતિ રાજકોટ કોલેજે આવી હોઇ બંને વાતચીત કરવા માટે હોસ્પિટલ ચોક પાસે ભેગા થયા બાદ ત્યાંથી બાઇક પર લટાર મારવા મોરબી રોડ નીકળ્યા હતાં.

ત્યાંથી મારવાડી કોલેજ તરફ થઇ પરત રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે બેડી ચોકડી નજીક તેના બાઇક પાછળથી આશુતિ પડી ગઇ હતી.   બરાબર એ વખતે જ પાછળ ટ્રક ટેલર નં. જીજે૧૨ઝેડ-૨૬૦૧ આવતો હોઇ તેના પાછલા વ્હીલમાં આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. કદાચ પોતાનો દૂપટ્ટો સરખો કરતી વેળાએ બેલેન્સ ગુમાવતાં પડી ગયાનું અનુમાન છે. એ કઇ રીતે પડી તેની મયંકને જાણ નથી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી મૃત્યુ પામનાર યુવતિના વાલીવારસને જાણ કરી હતી. આશુતિ એક ભાઇથી મોટી હતી. યુવાન દિકરીના મોતથી પરિવારજનોમાં  ગમગીની છવાઇ ગઇ હતી.

(4:06 pm IST)