Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટ પાસે હરીપર પાળ ગામની સીમમાં મળેલ કંકાલ રપથી ૩૦ વર્ષની યુવતીના હોવાનું ખુલ્‍યું

આ યુવતીનું ૧પ થી ૧૭ દિ' પુર્વે મોત થયાનું પીએમ રીપોર્ટમાં તારણ પણ મોતનું કારણ અકબંધઃ રાજકોટ સહિત અન્‍ય જીલ્લામાં ગૂમ થયેલ યુવતીઓ અંગે લોધીકા પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ, તા., ૧૮ : રાજકોટની ભાગોળે અને લોધીકા પોલીસ મથકની હદમાં આવેલ હરીપર પાળ ગામની સીમમાં નિર્જન સ્‍થળેથી મળેલ કંકાલ  રપ થી ૩૦ વર્ષની યુવતીના હોવાનું ફોરેન્‍સીક પીએમ રીપોર્ટમાં ખુલ્‍યું છે. આ યુવતીની ઓળખ મેળવવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના હરીપર પાળ ગામની સીમમાં નિર્જન સ્‍થળે માનવ કંકાલ પડયા હોવાની એક રાહદારીએ લોધીકા પોલીસને જાણ કરતા પીએસઆઈ ગઢવી તથા રાઈટર ખોડુભા સહિતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસને ઘટના સ્‍થળેથી માનવ ખોપડી સહિતના હાડકાના અવશેષો મળી આવતા તે કબ્‍જે લઈને ફોરેન્‍સીક પી.એમ માટે રાજકોટ હોસ્‍પીટલે ખસેડેલ હતા.

દરમિયાન પીએમ રીપોર્ટમાં મળેલા કંકાલ રપ થી ૩૦ વર્ષની યુવતીના હોવાનું જાહેર થયું છે. તેમજ આ યુવતીનું ૧પ થી ૧૭ દિવસ પુર્વે મોત થયાનો ડોકટરે અભિપ્રાય આપ્‍યો છે. જો કે આ યુવતીના મોતનું કારણ હજુ અકબંધ છે. બીજી બાજુ લોધીકા પોલીસે આ કંકાલ યુવતીના હોવાનું જાહેર થતા રાજકોટ જીલ્લા સહિત અન્‍ય જીલ્લામાં ગૂમ થયેલ યુવતીઓ અંગે માહિતી મેળવી તપાસ હાથ ધરી છે.  રપ થી ૩૦ વર્ષની કોઇ યુવતી ગૂમ હોય તો લોધીકા પોલીસ સ્‍ટેશનના નં. ૦ર૮ર૭ ર૪૪રર૬ પર જાણ કરવા પીએસઆઇ ગઢવીએ અપીલ કરી છે.

 

(11:36 am IST)