Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

હિતાર્થ નંદાણીની ઉંચી ઉડાનઃ જર્મનીમાં અભ્‍યાસની સાથે-સાથે ‘‘મોટીવેશન'' ક્ષેત્રે મેળવી અનેરી નિપુણતા

વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં અગ્રેસર થવા આપ્‍યું માર્ગદર્શન-ટીપઃ સફળ ઉદ્યોગપતિ બનવા અંગે આપ્‍યા ગુરૂમંત્રો : રાજકોટમાં યોજાયો સ્‍ટુડન્‍ટ મોટીવેશન, બીઝનેસ મોટીવેશન, સેલ્‍ફ મોટીવેશન અંગે યોજાયું પ્રવચન

રાજકોટ તા.૧૮: થોકબંધ ચોપડાઓ, અઘરી પરીક્ષાઓ, લાંબા લાંબા કોર્સ, તંદુરસ્‍ત હરિફાઇને કારણે આજે વિદ્યાર્થી અકળામણ અનુભવે છે, છુપો ગભરાટ અનુભવે છે. જેના પરિણામે પરીક્ષાના સમયે નર્વસ થઇ જાય છે જયારે કોઇપણ વેપારી કે બિઝનેસમેન નવો બિઝનેસ શરૂ કરતા કે વેપારનું વિસ્‍તૃતિકરણ કરતાં ગભરાતો હોય છે અથવા તો જોખમ લેવાનું ટાળતો હોય છે જયારે સામાન્‍ય માણસ પારિવારિક, હેલ્‍થ, આર્થિક, માનસીક સમસ્‍યાઓમાં ઘેરાયેલો હોય છે આવા લોકો-વિદ્યાર્થીઓ-વેપારીઓને જરૂર હોય છે ‘‘મોટીવેશન''ની અર્થાત પ્રેરણાની. આવું ‘‘મોટીવેશન'' (પ્રેરણા) બજારમાં વેંચાતી નથી મળતુ પણ તે આપણા શરીરમાંથી ઉભી કરવાની હોય છે અને આપણા શરીરમાં પડેલી આંતરિક શકિતઓને જગાડવાનું અથવા તો ઢંઢોળવાનું કામ કરે છે ‘‘મોટીવેટરો''.

આજે વાત કરવી છે આવા જ એક યુવા અને હોનહાર મોટીવેટર હિતાર્થ નંદાણીની. અત્રેના લોહાણા અગ્રણી અને માધવ કાર પોઇન્‍ટના ભરતભાઇ નંદાણીના સુપુત્ર હિતાર્થ નંદાણી ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે હાલ જર્મનીમાં એન્‍જીનીયરીંગનો અભ્‍યાસ કરી રહયો છે અભ્‍યાસની સાથે-સાથે હિતાર્થે ભગવત ગીતા અને સ્‍ટુડન્‍ટ મોટીવેશન, બિઝનેસ મોટીવેશન અને સેલ્‍ફ મોટીવેશનનો ઉંડો અભ્‍યાસ પણ કરી પોતાની અનેરી બહુમુખી પ્રતિભાના દર્શન કરાવ્‍યા છે. હિતાર્થ હાલ રાજકોટના પ્રવાસે આવ્‍યો છે. તેણે તા.૧૬-૯-૧૮ના રવિવારે આમંત્રીતો માટે વિદ્યાર્થીઓ, બિઝનેસમેન અને સેલ્‍ફ મોટીવેશન માટે એક કાર્યક્રમ એન્‍જીનીયરીંગ એસોસી -એશનના હોલમાં રાખેલ હતો જેમાં તેના જ્ઞાન, તેના અભ્‍યાસ, તેના માર્ગદર્શનનો બહોળી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો અને નાની ઉંમરે મોટી સિદ્ધિ મેળવવા બદલ હિતાર્થ ઉપર અભિનંદનનો વરસાદ વરસાવ્‍યો હતો. આ દરમ્‍યાન ઉપસ્‍થિત આમંત્રિતોના સવાલોના સચોટ જવાબ આપી સોૈની દાદ પણ હિતાર્થે મેળવી હતી.

હિતાર્થ ભરતભાઇ નંદાણીએ વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં ઉપયોગી થાય એવું માર્ગદર્શન અને ટીપ આપી હતી તો ઉદ્યોગપતિઓને-વેપારીઓને હરિફાઇના બજારમાં કઇ રીતે સફળ થવાય તેના ગુરૂમંત્ર પણ આપ્‍યા હતા.

ચિ. હિતાર્થ નંદાણીએ આ ઉપરાંત ઉપસ્‍થિત સોૈ કોઇને ભગવત ગીતાનું મહત્‍વ અને તેને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. માનવીના દરેક સવાલોના જવાબ ભગવત ગીતામાં હોવાનું પણ તેણે જણાવ્‍યું હતું. દરેક વ્‍યકિતએ એક વખત આ ગ્રંથ વાંચવો જોઇએ તેવી તેણે હાકલ પણ કરી હતી.

આ કાર્યક્રમમાં શરૂઆતમાં દિપ પ્રાગટય જાગનાથ મંદિરના સંચાલિકા દીદીના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. હિતાર્થનું ઇ-મેઇલ એડ્રેસ છે. Hitarthnandani@gmail.com આ કાર્યક્રમમાં ક્રાઇસ્‍ટ કોલેજના મહિલા પ્રોફેસરે પણ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્‍યું હતું.

(10:07 am IST)