Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ગોંડલ રોડ ઓવરબ્રીજ પર સીટી બસે બે બાઇક અને એક કારને હડફેટે લીધાઃ મહિલાને ઇજા

સીટી બસના ચાલક સામે ગુનોઃ મહિલા સંધ્યાબેન તીવારી સારવારમાં

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પર ઓવરબ્રીજ ઉપર સીટી બસના ચાલકે બે બાઇક અને એક કારને ઠોકરે ચડાવતા બાઇક સવાર દંપતીને ઇજા થતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ મવડી પ્લોટ નવલનગર શેરી નં. ૧૮/એ માં રહેતા અજયભાઇ નટવરલાલભાઇ રાવલ (ઉ.વ. પર) એ એ-ડીવીઝન પોલીસ મથકમાં જીજે-૩ એટી-૯૬૦૪ નંબરની સીટી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. અજયભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે ઠક્કર પલવર રાઇજીંગ કંપનીમાં સુપરવાઇજર તરીકે નોકરી કરે છે.
ગઇકાલે પોતે ગોંડલ રોડ પર બાબા પાન નામની દુકાને પાન ખાવા માટે ઉભા હતા ત્યારે પોતાનું જી.જે-૩એચસી-૮૧૯પ નંબરનું બાઇક મેઇન રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું ત્યારે ગોંડલ રોડ ઓવરબ્રીજ પર નીચે ઉતરતી જી.જે.-૩ એટી-૯૬૦૪ નંબરની સીટી બસના ચાલકે બસ પુરઝડપે ચલાવી પોતાનું બાઇક તેમજ દંપતી સાથેના બાઇકને અને એક જી.જે.-૧૧-સીએચ-રરપ૩ નંબરની કારને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જાતા સીટી બસના ચાલકે બસને ઉભી રાખી દીધી હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.
અને અકસ્માતમાં બાઇક પર બેઠેલા સંધ્યાબેન મુકેશભાઇ તીવારી (ઉ.વ. ૩ર) (રહે. કોઠારિયા સોલવન્ટ) ને પગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર સીટી બસના ચાલકનું નામ મહિપતસિંહ ચંપકસિંહ ઝાલા જાણવા મળ્યું હતું. આ અંગે પોતે એ-ડીવીઝન પોલીસ મથકમાં સીટી બસના ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. રાજેશભાઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

 

(3:32 pm IST)