Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વરસાદે ખમૈયા કરતા ઉઘાડ નીકળતા... અમૃત લોકમેળામાં ટાઢી સાતમ માણવા રંગીલી પ્રજા સવારથી ઉમટી પડી

સ્‍ટોલ ધારકોને ખરી કમાણી શરૂ : પીપૂડાના સોરથી મેળો ગુંજી ઉઠયો

લોકોનો લોકમેળામાં અવિરત પ્રવાહ : પોલીસે ચારેબાજુથી રસ્‍તા બંધ કરી દીધા

રાજકોટ તા. ૧૮ : શહેરની રંગીલી પ્રજાને બે વર્ષ બાદ લોકમેળાની મોજ માણવા મળતા ગઇકાલે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે અમૃત લોકમેળો ખુલ્લો મુક્‍યો હતો અને આજે સવારથી મેઘરાજાએ ખમૈયા કરતા ઉઘાડ નિકળતા લોકો સવારથી જ મેળામાં મહાલવા ઉમટી પડયા હતા.

લોકમેળો રાજકોટની ઓળખ છે અને સૌરાષ્‍ટ્રભરમાંથી લોકો તેને માણવા ઉમટી પડતા હોય છે. આજે સવારથી જ રેસકોર્ષ મેદાનમાં આયોજીત લોકમેળામાં ચીક્કાર ગીરદી જોવા મળી હતી. સમગ્ર રીંગ રોડ ઉપર વાહનો અને લોકોની ભારે અવર-જવરથી લોકમેળાના ૪-૪ પ્રવેશદ્વારમાં ધસારો જોવા મળ્‍યો હતો. તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્‍યવસ્‍થાથી લોકોની પણ અનુકૂળતા વધી હતી.

રેસકોર્ષ રીંગ રોડના રસ્‍તાઓ જાણે દરેકને મેળામાં લઇ જતા હોય તેવો અદ્‌ભૂત માહોલ ઉભો થયો હતો. બે વર્ષ બાદ લોકમેળાની મોજ માણવાની સાથે લોકોએ આજે સાતમના પર્વને પરંપરાગત રીતે ટાઢા થેપલા, સુકીભાજી સહિતની વાનગીઓ આરોગી ઉજવી હતી.

પોલીસ તંત્ર રેસકોર્ષ રીંગ ઉપર ટ્રાફીકને પહોંચી વળવા માટે રસ્‍તાઓ બંધ કરવાની સાથે લોકોની સલામતીની પણ જવાબદારી સુપેરે નિભાવી રહી છે. જ્‍યાં જુઓ ત્‍યાં સૌરાષ્‍ટ્રના ગામડાઓમાંથી મેળો કરવા આવનાર પરંપરાગત વષાોમાં સજ્જ પુરૂષો - મહિલાઓ અને બાળકો ઉમટી પડયા હતા. પહેલા દિવસથી જ મોટી જનમેદનીએ અમૃત લોકમેળાનો લાભ લેવા કલેકટર તંત્ર પણ ખુશખુશાલ થયું છે. તસ્‍વીરમાં ઉમટી પડેલ લોકો દર્શાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:31 pm IST)