Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

હરિપ્રસાદ શરાફી મંડળીએ રોકાણકાર પરિવારના ૧ કરોડથી વધુ નાણા ડુબાડયા !

પાકતી મુદ્દતે નાણા પરત ચૂકવવાને બદલે મંડળીના ચેરમેન કાર્તિક સાગરે હાથ ઉંચા કરી દીધાઃ ખોટી સહીઓ કરી ડિપોઝીટો ઉપર મંડળીમાંથી જ લોનો ઉપાડી લેવાયાનો અરજદાર પ્રદ્યુમનસિંહ વાઘેલાનો આક્ષેપઃ ક્રાઇમ બ્રાંચ અને મુખ્‍યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: કેનાલ રોડ પર આવેલા નિર્મલ કોમ્‍પલેક્ષમાં બીજે માળે ઓફિસ ધરાવતી હરિપ્રસાદ શરાફી સહકારી મંડળી લી.માં પોતાના અને પરિવારજનોના નાણા ડિપોઝીટ કરાવનાર અરજદાર પ્રદ્યુમનસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલા (‘શિવશક્‍તિ', સાંઇનગર મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, બીગ બજાર પાછળ)એ ૧ કરોડથી વધુ ડિપોઝીટ પાકતી મુદ્દતે પરત નહીં આપી આ ડિપોઝીટો ઉપર ખોટી સહીઓથી મંડળીમાં જ લોનો ઉપાડી લેવાયાની વિધીવત ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં કરવામાં આવી છે. મંડળીના ચેરમેન કાર્તિક ધીરૂભાઇ સાગર સહિત ૧૩ ડાયરેક્‍ટરો સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૩૪, ૧૨૦(બી), ૧૧૪ સહિતની કલમો હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવા પી.એમ. વાઘેલા દ્વારા માંગણી કરવામાં આવી છે.
લેખિત ફરિયાદ અરજીમાં જણાવાયું છે કે, હું ઉપરોક્‍ત સરનામે રહુ છું અને રાજકોટ બસ સ્‍ટેન્‍ડ પાછળ શિવશક્‍તિ હોટલના નામે વેપાર કરૂ છું. હોટલના ધંધા ઉપર ખેતીવાડીની આવકમાંથી થતી બચત તેમજ મારા સસરા પ્રવિણસિંહ જાડેજા નિવૃત્ત થતા તેમની બચત તેમજ ખેતીની આવકની બચત જે તેમના અવસાન પહેલા મારા પત્‍નીને આપી હતી તે સહિતની રોકડ પરિવારજનોના નામે ફિક્‍સ ડિપોઝીટ કરવાનું વિચારતા હતા. ફિક્‍સ ડિપોઝીટના વ્‍યાજની જે આવક થાય તેના પાછળ નિવૃત્તિ જીવન સારી રીતે જીવી શકાય તેવા હેતુથી મારા પત્‍ની, પુત્ર અને દોહિત્રીના નામે એફ.ડી. કરાવવાનું નક્કી કર્યુ હતુ. અમે રાજકોટની વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં ખાતુ ધરાવતા હોવાથી ત્‍યાં બેંકીંગ વ્‍યવહારો માટે અવારનવાર જવાનું થતુ હોવાથી ત્‍યાંના બેંક મેનેજર ધીરૂભાઇ હરિપ્રસાદ સાગર સાથે પરિચય હોવાથી ડિપોઝીટ મુકવા માટે વાતચીત કરી હતી. જે તે વખતે બેંક મેનેજર ધીરૂભાઇ સાગરે બેંકમાં એફ.ડી. કરશો તો તેના ઉપર વ્‍યાજ ઓછુ મળશે, જો તમારે સારૂં વળતર જોઇતુ હોય તો મારો પુત્ર કાર્તિક શ્રી હરિપ્રસાદ સહકારી મંડળી, નિર્મલ કોમ્‍પલેક્ષ, કેનાલ રોડ ખાતે ચલાવે છે. તેમાં ફિક્‍સ ડિપોઝીટ કરશો તો બેંક વ્‍યાજ કરતા ડબલ વ્‍યાજ એટલે કે, વાર્ષિક ૧૨ ટકા વ્‍યાજ મળશે. આમ જણાવી તેમણે હું કાર્તિકને ફોન કરી દઉ છુ, તમે કાર્તિકને મળી લો, તેવુ કહી તેમણે પોતાના પુત્રને ફોન કર્યો હતો. જેથી, હું અને મારો પુત્ર દિવ્‍યરાજસિંહ હરિપ્રસાદ શરાફી મંડળી (રજીસ્‍ટર્ડ નં. ૩૧૯૪૦/૨૦૦૦)ની ઓફિસે ગયા હતા અને મંડળીના ચેરમેન કાર્તિકભાઇ સાગરને મળ્‍યા હતા. જે તે વખતે કાર્તિકભાઇ સાગર સાથે હર્ષદભાઇ સાગર અને મંડળીના મેનેજર હાર્દિકભાઇ ધાનક હાજર હતા. જેમણે મંડળીમાં રોકાણની જુદી-જુદી સ્‍કીમો સંબંધે વાત કરી હતી. ડેઇલી બચત, મંથલી બચત, ફિક્‍સ ડિપોઝીટની સ્‍કીમો અને તેના પર ચુકવાતા વ્‍યાજ અંગે માહિતી આપી હતી. કાર્તિકભાઇ અને બેંક મેનેજર તેમજ તેમના ભાઇએ એફ.ડી. ઉપર વાર્ષિક ૧૦ ટકા વ્‍યાજ ચુકવશુ તેવું જણાવ્‍યુ હતુ ત્‍યારે અમે મોટી રકમ કટકે-કટકે એફ.ડી. કરાવવા માંગીએ છીએ તેવુ જણાવી વધુ વ્‍યાજ આપી શકશો ? તેમ પુછતા તેમણે અન્‍ય ડાયરેક્‍ટરો સાથે વાતચીત કરી જવાબ દેશે તેવુ જણાવ્‍યુ હતુ અને બે દિવસ બાદ જવાબ આપશે તેવુ કહ્યુ હતુ.
 અમે બે દિવસ બાદ મંડળીની ઓફિસ ગયા હતા ત્‍યારે કાર્તિકભાઇએ બધા સાથે વાતચીત થઇ ગઇ છે, અમે તમને ૧૨ ટકા વાર્ષિક વ્‍યાજ ચુકવીશુ તેમ કહી તેમના પિતા ધીરૂભાઇ સાથે પણ અમારી સાથે ટેલિફોનીક વાતચીત કરાવી હતી. મંડળીના ચેરમેનની વાત ઉપર અમને વિશ્વાસ આવ્‍યો હતો સાથોસાથ અન્‍ય મંડળી કે બેંક કરતા વધુ વ્‍યાજ એટલે કે ૧૨ ટકા મળતુ હોવાથી અમે અમારા નાણા ફિક્‍સ ડિપોઝીટ રૂપે મારા પત્‍ની, પુત્રના નામે મુક્‍યા હતા.
તા.૧૪-૧૦-૨૦૧૭ના મારા પત્‍નીના નામે ૬ લાખ રૂપિયા ૧૪-૧૦-૨૦૧૮ની પાકતી તારીખ સુધી મુક્‍યા હતા, જે પાકતી તારીખે ૯ લાખ ૧૮ હજાર અમને પરત મળવાના હતા. આવી જ રીતે મારા પત્‍ની ભાવનાબા વાઘેલાના નામે ૯-૧૧-૨૦૧૭ના ૧૦ લાખ રૂપિયા ૧ વર્ષ માટે ડિપોઝીટ કરાવ્‍યા હતા, ત્‍યારબાદ ૫-૧૨-૨૦૧૭ના  ૧૮ લાખ ૫૦ હજાર ૧ વર્ષ માટે ડિપોઝીટ કર્યા હતા, ત્‍યારબાદ ૨૭-૧૨-૨૦૧૭ના ૩.૫ લાખ, ૨૧-૫-૨૦૧૮ના ૨ લાખ, ૯-૬-૨૦૧૮ના ૨ લાખ, ૩-૭-૨૦૧૮ના ૧.૫ લાખ, ૧-૮-૨૦૧૮ના ૨ લાખ અને ૧-૯-૨૦૧૮ના ૪ લાખ ડી.પી. વાઘેલા, ડી.પી. વાઘેલા અને દેવાંશીબા આર. ઝાલાના નામે ફિક્‍સ કરાવ્‍યા હતા. આ બધી ડિપોઝીટ મળી ૪૯ લાખ ૫૦ હજાર જુદી-જુદી તારીખે ૧ વર્ષ માટે એફ.ડી. તરીકે મુક્‍યા હતા જે માર્ચ ૨૦૨૨ની પાકતી તારીખે ૭૪ લાખ ૧૨ હજાર અમને પરત મળવાના હતા. પાછળથી બાંધી મુદ્દતની પહેલી થાપણ તા.૧૪-૧૦-૨૦૧૮ના પાકતી હોવાથી અમે વ્‍યાજ લેવા મંડળીની ઓફિસે જતા મંડળીના ચેરમેન કાર્તિકભાઇ સાગર અને મેનેજર હાર્દિકભાઇ ધાનક તેમજ વાઇસ ચેરમેન હર્ષદભાઇ સાગર હાજર હતા. તેમણે અત્‍યાર આ રકમની વ્‍યવસ્‍થા નથી, તમારી એક પછી એક રસીદો પાકતી જશે ત્‍યારે છેલ્લે તમામ રકમ ડિફરન્‍સના વ્‍યાજ સાથે ચૂકવી આપીશુ તેવો ભરોસો આપ્‍યો હતો, જેથી અમે છેલ્લી એફ.ડી.ની પાકતી મુદ્દત તા.૨૧-૫-૧૯ના મંડળીની ઓફિસે ગયા હતા તે વખતે ચેરમેન, વાઇસ ચેરમેન અને મેનેજર હાજર હતા સાથોસાથ આ બાબતે અમે ધીરૂભાઇ સાગરને ધ્‍યાન દોરી વ્‍યાજની ચૂકવણી નહીં કર્યાનું જણાવતા તેમણે ચિંતા ન કરો, હું બેઠો છું તેવો ભરોસો અપાવ્‍યો હતો. થોડા મહિના સુધી અમે તેમની વાત ઉપર વિશ્વાસ મુકી રાહ જોઇ હતી, પરંતુ મંડળી તરફથી કોઇ ફોન આવ્‍યો ન હતો. અંતે અમે જિલ્લા રજીસ્‍ટ્રાર સમક્ષ આ બાબતે રજુઆત કરી હતી. થોડા સમય પછી જિલ્લા રજિસ્‍ટ્રારશ્રીએ કહેલ કે, તમારા પરિવારની અમુક એફ.ડી. ઉપર અન્‍યોને લોન આપવામાં આવી છે, આ સાંભળી અમે આヘર્યમાં મુકાઇ ગયા હતા. અમારી જાણ બહાર પરિવારના સભ્‍યોની બનાવટી કાગળોનો ઉપયોગ કરી અમારૂ લેણુ ડુબાડવાની કોશિષ થઇ રહ્યાનું અમને સમજાયુ હતુ. થોડા સમય પછી હું અને મારો પુત્ર મંડળીની ઓફિસે ગયા ત્‍યારે ઘણા બધા થાપણદારો રૂપિયા લેવા એકઠ્ઠા થયા હતા. જેમાંથી જાણવા મળ્‍યુ હતું કે, આ મંડળીના વ્‍યવસ્‍થાપકોએ અન્‍ય થાપણદારોની રકમ પણ ઓળવી લીધી છે.
 અમારી જાણમાં આવ્‍યા મુજબ કે.કે. જાડેજા, એસ.જી. જાડેજા, એચ.જી. જાડેજા, જે.બી. જાડેજા અને જાડેજા હર્ષવર્ધનસિંહ કુલદિપસિંહ સહિતના અમારા જાણીતા લોકોના પણ આશરે ૮૯ લાખથી વધુ પાકતી મુદ્દતે મંડળી પાસે લેણાં નીકળે છે. આમ, મારા પત્‍ની અને ઉપરોક્‍ત થાપણદારો સાથે મંડળીના હોદ્દેદારો અને ડાયરેક્‍ટરોએ એકબીજાની મદદથી ગુન્‍હાહિત કાવતરૂ રચી છેતરપીંડી-વિશ્વાસઘાસ કર્યો છે અને અમારા પરિવારના સભ્‍યોની ખોટી સહિઓ અને બનાવટી કાગળો ઉભા કરી ફોર્જરી કરી છે.
ઉપરોક્‍ત બાબતે અગાઉ અમે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ-અરજી કરી હતી પણ કોઇ પગલા નહીં લેવાતા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. સાથોસાથ મુખ્‍યમંત્રીના ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ ફરિયાદ આપી છે તેમ પ્રદ્યુમનસિંહ મહેન્‍દ્રસિંહ વાઘેલાએ જણાવ્‍યું હતુ.  
તેમણે જણાવેલ કે, ૧ કરોડથી વધુની અમારા પરિવાર સાથે છેતરપીંડી કરી છે તેવા કાર્તિક ધીરૂભાઇ સાગર, હાર્દિક સુરેશભાઇ ધાનક, હર્ષદભાઇ સાગર, અનિલભાઇ મહેતા સહિત ૧૩ ડાયરેક્‍ટરો સામે કાનુની રાહે પગલા ભરી અમને ન્‍યાય આપવા માંગણી કરવામાં આવી છે.

 

(11:46 am IST)