Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

મલ્હાર મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ કરશેઃ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો

૨૨મીએ રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન સૌ પ્રથમ વખત મુખ્યમંત્રીના હસ્તે થઈ રહ્યુ હોય કલેકટર તંત્ર દ્વારા તડામાર તૈયારીઓઃ કુલ ૩૬૪ જેટલા સ્ટોલની મજા લાખો લોકો માણશેઃ મેળાના આયોજનની વિગતો રજુ કરતા કલેકટર ડો. રાહુલ ગુપ્તા

રાજકોટ, તા. ૧૭ :. આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કલેકટર તંત્ર દ્વારા રેસકોર્ષ મેદાનમાં યોજાનાર મલ્હાર લોકમેળાનું ઉદ્ઘાટન રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા. ૨૨મીએ સાંજે ૪ વાગ્યે થનાર હોય તેની તડામાર તૈયારીઓ કલેકટર ડો. રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા કલેકટર શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, આગામી ૨૨મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌ પ્રથમ વખત જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવા રાજકોટ આવી રહ્યા હોય આ ઐતિહાસિક ઘડીને વધાવવા માટે તંત્ર દ્વારા જબરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત થશે. ત્યાર બાદ જન્માષ્ટમીના મેળાનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ઉદઘાટન થશે અને જન્માષ્ટમી તહેવારની થીમવાળો ભવ્ય અને ઐતિહાસિક આજ દિન સુધીમાં કદી પણ યોજાયો ન હોય તેવો લોકોને મંત્રમુગ્ધ કરી દેનાર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.

કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે લોકમેળામાં કુલ ૩૬૪ જેટલા વિવિધ સ્ટોલનું આયોજન છે જેમાં યાંત્રિક રાઈડસ, ખાણીપીણી, આઈસ્ક્રીમ ચોકઠા, રમકડા અને વિવિધ સરકારી તથા સામાજિક સંસ્થાઓના સ્ટોલનો સમાવેશ થશે.

કડક સુરક્ષા વ્યવસ્થા

દરમિયાન આજે કલેકટર ડો. રાહુલ ગુપ્તા, એડીશ્નલ કલેકટર પરિમલ પંડયા, પ્રાંત અધિકારી શ્રી ચૌહાણ વગેરેએ મેળાના મેદાનમાં વિવિધ વ્યવસ્થાઓ સુરક્ષા વ્યવસ્થા, યાંત્રિક રાઈડસની ટેકનીકલ ચકાસણી વગેરે બાબતોની ઉંડી તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે મેળાના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રીશ્રી આવતા હોય વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. મેળાના મેદાનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત, આજુબાજુના રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરાઓ, ટ્રાફીક વ્યવસ્થા અને એન્ટ્રીમાં મુલાકાતીઓની સઘન ચકાસણી સહિતની સુરક્ષા વ્યવસ્થા પણ ચૂસ્ત બનાવવામાં આવનાર હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યુ હતું.

(3:47 pm IST)