Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

લોહાણા મહાપરિષદની કાર્યશૈલી સામે ઉપવાસ

જૂનાગઢના નિલેશ દેવાણી અને જુના વાઘણીયાના હિરેન મશરૂએ રાજકોટમાં છાવણી નાખીઃ કામ ન કરતા હોદેદારોને બદલવાની મુખ્ય માંગણીઃ સમાજના ગરીબ બાળકો-વિધવાઓ અને વ્યાજંકવાદમાં ફસાતા યુવાનોને મદદરૂપ બનવા નકકર વ્યવસ્થા ગોઠવવા સુચન

રાજકોટ, તા.૧૮: લોહાણા મહાપરીષદની અણધડ કાર્યશૈલી સામે જુનાગઢના નિલેશભાઇ દેવાણી અને જુના વાઘણીયાના હિરેનભાઇ મશરૂએ અવાજ ઉઠાવી રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આજથી ઉપવાસ આંદોલનના મંડાણ કર્યા છે.

આ અંગે વિગતો આપતા તેઓએ જણાવેલ કે અમારી લડાઇ કોઇની સામે વ્યકિતગત નથી, પરંતુ લોહાણા મહાપરિષદ દ્વારા સર્જવામાં આવતી અવ્યવસ્થાઓ સામેની છે.

ગામો ગામ નિયુકત કરાયેલ મહાજનના હોદેદારો માંથી જે લોકો સમાજ માટે ખરેખર કોઇકામ કરતા ન હોય તેઓ બદલી તેમના સ્થાને સમાજ માટે દોડતા હોય તેઓની નિમણુંક કરવા અમારી મુખ્ય માંગણી છે.

લોહાણ જ્ઞાતિના ગરીબ બાળકો, વિધવાઓને તેમજ વ્યાજના ચક્રમાં ફસાતા યુવાનોને મદદરૂપ બનવા કોઇ ચકકર વ્યવસ્થા કરવા આ બન્ને લડત કારોએ સૂચન કર્યુ છે. લોહાણા મહાપરિષદ દાતાઓ પાસેથી લાખો-કરોડો રૂપિયા ઉઘરાવે છે. તો આ ગરીબ મધ્યમ વર્ગના લોકો સુધી મદદ પહોંચતી કેમ નથી? તેવા સવાલો પણ ઉઠાવ્યા છે.

લોહાણા સમાજને સતાવતી મોટી સમસ્યા લગ્ન સંબંધી છે ત્યારે જ્ઞાતીના દિકરા-દીકરીઓને યોગ્ય પાત્ર જ્ઞાતીમાંથી જ મળી રહે તે માટે વાડા ભેદના દુષણોને દુર કરવા તેમજ શિક્ષણનું સ્તર ઉપર લાવવા તાલુકા-જિલ્લા લેવલે સ્કુલ અને કોલેજોનું  નિર્માણ કરવા દેવાણી અને શ્રી મશરૂએ માંગણી ઉઠાવી છે.

ઉપરાંત બીઝનેશ યુનીટી કે બીઝનેશ સમીતીની રચના કરી રઘુવંશી ભાઇ-બહેનોને રોજગારી અપાવા તેમજ શિક્ષણ કમીટી તથા આરોગ્ય કમીટી પણ કાર્યરત કરવા સુચન કરેલ છે એજ રીતે વૃધ્ધ અને નિઃસહાય લોકો સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે પણ કોઇ વ્યવસ્થા કરવા તેઓએ માંગણી ઉઠાવી છે.

રઘુવંશી સમાજની જયાં જયા ધર્મશાળાઓ હોય ત્યા હેલ્પલાઇન નંબરની વ્યવસ્થા કરવા તેમજ બંધ હાલતમાં હોય તેવી છાત્રાલયો અને હોસ્ટેલોને પૂનઃ ચાલુ કરવા માંગણી કરેલ છે. આ માટે જે જે સમિતિ બનાવવામાં આવે તેના દર ત્રણ મહિને રીપોર્ટ જાહેર કરવા અંગે પણ હિરેનભાઇ મશરૂ(મો. ૯૬૬૨૪ ૩૨૦૩૨) અને નિલેશભાઇ દેવાણી(મો. ૮૪૮૮૯ ૧૦૨૦૨)એ સુચન કરેલ છે.

 આ તમામ મદદે યોગ્ય કરવાની ખાત્રી નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રાખવાનો નિરધાર તેઓએ વ્યકત કર્યો છે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા હિરેનભાઇ મશરૂ ,નિલેશ દેવાણી, અને તેમની બાજુમાં કુલદીપભાઇ કાનાબાર, ગીરીશભાઇ ચંદારાણા, ધમેન્દ્રભાઇ ધામેચા, વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)(૨૨.૧૧)

 

(3:38 pm IST)