Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

બે સોની વેપારીના રર લાખના દાગીના સેરવી લેનાર મુંબઇની ઇરાની ગેંગનો સાગરીત પકડાયો

ચાર માસ પહેલા સોનીબજાર અને ભુપેન્દ્ર રોડ પર બે સોની વેપારીને ક્રાઇમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી દાગીના સેરવી લીધા હતા

રાજકોટ તા. ૧૮ : સોનીબજારમાં અભીષેક હોલ પાસે ચાર માસ પહેલા બે સોની વેપારીને ક્રાઇમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી મુંબઇની ઇરાની ગેંગના સાગરીતને એ ડીવીઝન પોલીસે ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ જેતપુર જુની દેસાઇ વાડી અવેડા ચોક પાસે રહેતા સોની વેપારી જયવંતભાઇ હરીલાલ લાઠીગરા (ઉ.૬ર) ચાર માસ પહેલા રાજકોટ સોની બજારમાં આવ્યા હતા. ત્યારે બે મોટર સાયકલ પર ચાર અજાણ્યા શખ્સોએ આવી ક્રાઇમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી જયવંતભાઇ લાઠીગરાને વિશ્વાસમાં લઇ 'આગળ પોલીસનું ચેકીંગ ચાલેછે' તેમ કહી થેલામાં ચેક કરવાના બહાને સોની વેપારી પાસેથી થેલો લઇ તેમાંથી ૧૭ર.૬પ૦ મીલીગ્રામના સોનાના દાગીના સેરવી લીધા હતા. આવી જ રીતે આ ચાર શખ્સોએ ભુપેન્દ્ર રોડ પર દીવાનપરા પોલીસ ચોકી પાસે કલ્પેશભાઇ મંડેશાના થેલામાંથી પણ ૭રર.૬પ૦ મીલીગ્રામના સોનાના દાગીના મળી રૂ.ર૧,૬૬,૦૦૦ ના સોનાના દાગીના સેરવી લીધા હતા આ બનાવ અંગે જેતપુરના સોની વેપારી જયવંતભાઇ લાઠીગરાએ ગત તા.૧પ/પના રોજ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી હતી.

દરમ્યાન થોડા સમય પહેલા અમદાવાદમાં પણ આ શખ્સોએ વેપારીને છેતર્યા હોઇ, તેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઇના આંબીવલી વેસ્ટમાં શીવાજીનગરમાં રહેતો સરતાજહુસેન ઓલાદ હુશેન સૈયદ (ઉ.૩૮) ને પકડી લીધો હતો અને તેણે રાજકોટમાં પણ છેતરપીંડી કર્યાની કબુલાત આપતા અમદાવાદ પોલીસે જાણ કરતા એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન.કે. જાડેજા, તથા પીએસઆઇ કે.એ. જાડેજા તથા પ્રવિણભાઇ જીલરીયા સહિતે સરતાજહુસેન સૈયદનો કબ્જો મેળવ્યો હતો. પોલીસની પુછપરછમાં સરતાજહુસેન ઇરાનીગેંગનો સાગરીત હોવાનું જણાવ્યું હતું. અન તેની સાથે  મુંબઇનો હબીબ જાફરી, સાહીદહુશેન, અહેમદઅલી જાફરી પણ સામેલ હોવાની કબુલાત આપી હતી. આ મામલે એડીવીઝન પોલીસે સરતાજ હુસેનના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.(૬.૧૮)

(3:38 pm IST)