Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સ્વામિનારાયણ ચોકમાં ડિમોલીશન થશે તો આત્મવિલોપન : કોંગ્રેસ

કોર્પોરેશને પાર્કીંગના દબાણો દૂર કરવા નોટીસો ફટકારતા વેપારીઓએ તહેવારો સુધીની મુદત માંગીઃ કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પણ મ્યુ. કમિશનરને પત્ર પાઠવી ડિમોલીશન રોકવા માંગ કરી

રાજકોટ, તા. ૧૮: મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલમાં શહેરમાં પાર્કીંગ માર્જીનની જગ્યાઓમાંથી છાપરા-ઓટલા સહિતના દબાણો તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરાઇ છે ત્યારે વોર્ડ નં. ૧૩ના સ્વામિનારાયણ ચોકના વેપારીઓએ તહેવારો બાદ ડિમોલીશન કરવાની માંગ સાથે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે વોર્ડ નં. ૧૩ નાં કોંગી કોર્પોેરેટર જાગૃતિબેન ડાંગરે મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીને  રજૂઆત કરતા જણાવ્યું હતું કે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં. ૧૩ માં સ્વામીનારાયણ ચોકની આજૂબાજૂના મુખ્ય રસ્તા ઉપર દબાણો અંગે મનપા દ્વારા અપાયેલ નોટીસોના અન્વયે વેપારી એસોસીએશન દ્વારા અમોને રજૂઆત કરેલ છે. અને જેઓને રજૂઆત વ્યાજબી અને ઉચીત જણાય છે કારણ કે હાલ ચોમાસું હોય પાણી ભરાતું હોય અને આગામી દિવસોમાં જન્માષ્ટમીનાં તહેવારો છે.

ત્યારે ધંધાને માઠી અસર થાય તેમ છે તો વેપારીઓની અને કામકાજ અર્થે ડીમોલીશન મોકૂફ રાખવા અમારી માંગ છે. જાગૃતિબેને વધુમાં જણાવ્યું છે કે ગેરકાયદેસર પાર્કીંગો અને ગેરકાયદેસર બિલ્ડીંગોની તરફદારી નથી કરતા ડીમોલીશન થવું જ જોઇએ એ વાતમાં તંત્રની સાથે જ છીએ પરંતુ તહેવારોને ધ્યાને લઇ હકારાત્મક વલણ અપનાવો તેવી અપેક્ષા છે તેમ છતાં આ મારા વોર્ડના વેપારીઓના ધંધા છીનવવાનો તંત્રના દ્વારા પ્રયાસ થશે તો વેપારીઓ અને સાથે આત્મવિલોપન કરવાની ફરજ પડશે.  તેવી ચીમકી રજૂઆતના અંગે જાગૃતિબેને ઉચ્ચારી છે. (૮.૧૬)

(2:45 pm IST)