Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ગંજીવાડાના બે બહેનના એકના એક ભાઇ જીતેન્દ્ર કોળીનું 'હિટ એન્ડ રન'માં મોત

સાંજે કાળીપાટથી ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે ભાવનગર રોડના પેટ્રોલ પંપ પાસે અજાણ્યો વાહન ચાલક ઉલાળીને ભાગી ગયોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૮: ભાવનગર રોડ પર જૈમીન પેટ્રોલ પંપ નજીક સાંજે સાડા આઠેક વાગ્યે 'હિટ એન્ડ રન'ના બનાવમાં ગંજીવાડામાં રહેતાં બે બહેનના એકના એક ભાઇ કોળી યુવાનનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ ગંજીવાડા-૩૭માં રેહતો જીતેન્દ્રભાઇ ધીરજલાલ મેણીયા (ઉ.૩૮) નામનો કોળી યુવાન ગત સાંજે કામ સબબ કાળીપાટ ગયો હતો. સાડા આઠેક વાગ્યે ત્યાંથી પરત આવી આજીડેમ ચોકડી પાસે ઉતરીને ચાલીને ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે શિવમ્ જૈમીન પેટ્રોલ પંપ પાસે પહોંચ્યો તે વખતે કોઇ વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થઇ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આર. બી. વાઘેલા અને સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતકના બનેવી માંડા ડુંગર પાછળ પીઠડઆઇ સોસાયટી-૧માં રહેતાં ભીમજીભાઇ ખેંગારભાઇ ચોૈહાણ (ઉ.૩૮)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઇ કડીયા કામ છત ભરાઇની મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પત્નિનું નામ અંજુબેન અને માતાનું નામ સવિતાબેન છે. કરૂણતા એ છે કે જીતેન્દ્રભાઇ બે બહેનનો એકનો એક ભાઇ અને વૃધ્ધ માતા-પિતાનો અને પરિવારનો એક જ આધાસ્તંભ હતો. બનાવને પગલે કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૬)

(2:23 pm IST)