Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

રાજકોટમાં આખી રાત વરસ્યોઃ પોણા બે ઈંચ

શહેરમાં ગઈકાલે દિવસભર રીમઝીમ ચાલુ રહ્યા બાદ આજે સવારે પણ ઝાપટુ પડી ગયું: ૨૪ કલાક વરસાદી માહોલ જળવાઈ રહેશેઃ આવતીકાલે નવી સિસ્ટમ્સ બનશેઃ હવામાન ખાતુ

રાજકોટના રાજમાર્ગો પર ઠેર-ઠેર પાણી ભરાયાઃ રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેધરાજા વરસ્યા છે.  રાજકોટમાં કાલે દિવસ દરમિયાન ઝરમર વરસાદ પડયો હતો. રાત્રીનાં ૧૨:૩૦ કલાક બાદ એકાએક ૧ થી ૧:૩૦ વરસાદ પડયો હતો. જેના કારણે શહેરનાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૮: પરમદિના મધરાતથી સમગ્ર રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત તરફ ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. દરમિયાન કાલે ૧૯મીના વધુ એક સિસ્ટમ્સ બની રહી છે. હાલના ફોરકાસ્ટ મોડલો જોતા આ સિસ્ટમ્સ સૌરાષ્ટ્રને એપ્રોચ કરી રહી છે. રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં ગઈકાલે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આખો દિવસ રીમઝીમ ચાલુ રહ્યો હતો. સાંજ સુધીમાં પોણો ઈંચ વરસી ગયા બાદ મોડીરાતે ફરી ચાલુ થઈ ગયો હતો. બાદમાં ધીમીધારે સતત ચાલુ રહ્યો હતો. આ દોર સવાર સુધી અવિરત જોવા મળ્યો હતો. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એક જ દિવસમાં મહતમ તાપમાનમાં પાંચેક ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. વાતાવરણમાં ઠંડકના પગલે લોકોએ પોતાના ઘરોમાં પંખાની સ્પીડ ધીમી કરી દેવાની ફરજ પડી હતી.

આજે સવારે પણ એક જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. સાતેક વાગ્યાની આસપાસ ફરી વરસાદ શરૂ થતાં શાળાએ જતાં બાળકોને રેઈનકોટનો સહારો લેવાની ફરજ પડી હતી.

રાજકોટ શહેરમાં ગઈકાલ સવારથી આજે સવાર સુધીમાં પોણા બે ઈંચ પાણી પડયું છે. જયારે મોસમનો કુલ ૧૯ ઈંચ થઈ ગયો છે.

જયારે મહાપાલીકાના ફલડ કંટ્રોલના આંકડાઓ મુજબ સેન્ટ્રલમાં ૩૧ મી.મી., વેસ્ટઝોનમાં ૩૪ મી.મી. અને ઈસ્ટમાં ૨૬.૫ મી.મી. નોંધાયેલ છે.(૩૦.૫)

(11:33 am IST)