Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બ્લેકમેઇલીંગ, હત્યાની કોશિષ, લૂંટ સહિતના ૮ ગુનામાં સામેલ રામજી ઉર્ફ રોહિત બાડો તમંચા સાથે પકડાયો

માલવીયાનગર પોલીસે ત્રિવેણીનગરના રજપૂત શખ્સને સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી દબોચ્યોઃ અગાઉ પેંડા સાથે પણ ઉઠક-બેઠક ધરાવતો હતોઃ ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા માટે તજવીજ

રાજકોટ તા. ૧૮: હત્યાની કોશિષ, લૂંટ, મારામારી, બ્લેકમેઇલીંગ, ધમકી, દારૂ સહિતના આઠ જેટલા ગુનામાં સંડોવાઇ ચુકેલા ગુરૂપ્રસાદ ચોક ત્રિવેણીનગર-૩માં રહેતાં રામજી ઉર્ફ રોહિત ઉર્ફ બાડો પ્રકાશભાઇ સોલંકી (ઉ.૨૬) નામના રજપૂત શખ્સને માલવીયાનગર પોલીસે સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા શેરી નં. ૯ રાણી ઓઇલ મીલ પાસેના બગીચામાંથી રૂ. ૫૦૦૦ના દેશી તમંચા સાથે પકડી લીધો છે.

કોન્સ. ભાવેશભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને પાક્કી બાતમી મળી હતી કે અગાઉ અનેક ગુનામાં સામેલ રામજી ઉર્ફ રોહિત બગીચામાં તમંચા સાથે આવ્યો છે. તેના આધારે દરોડો પાડી તેને દબોચી લેવાયો હતો. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ માલવીયાનગર પોલીસ મથકમાં હત્યાની કોશિષ, મારામારીના બે, લૂંટનો એક, ધમકીનો એક અને દારૂનો એક ગુનો તથા શાપરમાં મારામારીનો ગુનો તેમજ યુનિવર્સિટી પોલીસ મથકમાં એક યુવતિ સાથે મળી યુવાનોને મોજમજાની લાલચ આપી મળવા બોલાવી ધમકાવી બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાના બે ગુના નોંધાઇ ચુકયા છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજય ચોૈધરી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમની સુચના અને પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ જે. એસ. ચંપાવત, એએસઆઇ વેલુભા ઝાલા, હેડકોન્સ. દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ. મશરીભાઇ ભેટારીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા,ભાવીનભાઇ ગઢવી, જયદિપસિંહ જાડેજા, હોમગાર્ડ આશીફભાઇ ડેલા સહિતનાએ આ કામગીરી કરી હતી.

ઝડપાયેલો શખ્સ અગાઉ પેંડા સાથે પણ ઉઠક-બેઠક ધરાવતો હતો. જો કે તેની સાથેના ગુનામાં સામેલ નહોતો. પોતાને માથાકુટ ચાલતી હોઇ તમંચો સાથે રાખ્યાનું રટણ તે કરી રહ્યો છે. વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(3:54 pm IST)