Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કેવડાવાડીની જ્યોતિ પ્રજાપતિને મધ્યપ્રદેશમાં પતિ અને સાસરિયાનો દહેજ માટે ભારે ત્રાસ

સોનાનો ચેઇન, મોટરગાડી અને મકાન માટે પાંચ લાખ માંગ્યાનો આરોપઃ મહિલા પોલીસે પતિ, સાસુ, સસરા, દિયર, નણંદ અને ત્રણ જેઠ સામે દહેજધારા હેઠળ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: હાલ કેવડાવાડી-૬માં રહેતી જ્યોતિબેન મોનુ પ્રજાપતિ (ઉ.૨૪) નામની પરિણીતાને દહેજ મામલે મધ્યપ્રદેશના ભીંડ ગામે ત્રાસ આપવામાં આવતાં રાજકોટ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જ્યોતિબેનની ફરિયાદ પરથી પતિ મોનુ રામશંકર પ્રજાપતિ, સસરા રામશંકર રઘુવીર પ્રજાપતિ, સાસુ મીરાબેન રામશંકર, જેઠ ધર્મેન્દ્રભાઇ, જેઠ ભુરેભાઇ, દિયર સુનિલ, નણંદ લક્ષ્મીબેન, જેઠ રાજુ  (રહે. બધા ચતુર્વેદીનગર, પુરાની બસ્તી, મુ. ભીંડ મધ્યપ્રદેશ) સામે ગુનો નોંધ્યો છે.

જ્યોતિબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં બે માસથી હું રાજકોટ માવતરના ઘરે રહુ છું. સંતાનમાં છ માસની દિકરી છે.  મારા લગ્ન ૨૦૧૬માં જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. લગ્ન બાદ ચાર-પાંચ મહિના અમે ભીંડ (એમપી)માં રહ્યા હતાં. બે માસ સારી રીતે રખાઇ હતી. એ પછી હું સારી રસોઇ બનાવું તો પણ સસરા 'તને રસોઇ આવડતી નથી' કહી મેણા મારતાં. પતિ દારૂ પી ઝઘડા કરી મારકુટ કરતો. જેઠ મકાન લેવા માટે પાંચ લાખ રૂપિયા માવતરેથી લઇ આવવાનું કહી હેરાન કરતાં હતાં. અગાઉ હું રિસામણે આવી હતી અને સમાધાન થઇ ગયું હતું. પરંતુ ફરીથી મને સાસરિયાઓએ એકસંપક કરી માવતરેથી કંઇ લાવી નથી કહી વધુ દહેજ સોનાનો ચેઇન, મોટરગાડી લઇ આવવા દબાણ કરી ત્રાસ ગુજાર્યો હતો.

ત્રાસ ખુબ વધી જતાં મેં પિતાને ફોન કરતાં તેઓ મને ત્યાંથી રાજકોટ તેડી લાવ્યા હતાં અને મેં ફરિયાદ કરી છે.

આ ફરિયાદને આધારે પી.આઇ. મેડમ એસ.આર. પટેલની રાહબરીમાં એએસઆઇ જી. વાય. પંડ્યાએ તપાસ હાથ ધરી છે.

(3:52 pm IST)