Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ઘંટેશ્વરની કરોડોની જમીનનું બોગસ સાટાખત ઉભુ કરવા અંગે વકીલની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા ૧૮  :  ઘંટેશ્વરની કરોડોની જમીનનું બોગસ સાટાખત બનાવવાના કામે નોટરી એડવોકેટસના આગોતરા જમીન મેળવવાની જામીન અરજી અદાલતે નામંજુર કરી હતી.

ફરીયાદની વીગત મુજબ ફરીયાદી માવજીભાઇ ઘેલાભાઇ સીતાપરાની જમીન ઘંટેશ્વરના રે.સ.નં. ૧૧૦ પૈકી ર ખાતા ૪૯ થી પાંચ એકર જમીન તેમની માલીકીની આવેલ છે. જે જમીન તેઓ વેચવા માંગતા હોય, જેથી જગદીશભાઇ વાઘરીયા સાથે ૨૬ કરોડ ૨૫ લાખમાં સોદો નક્કી થયેલ. તેઓ પ્રથમથી જ ચીટીંગ કરવા માંગતા હોય તેવું જણાઇ આવતા અમોએ સોદો  કેન્સલ કરવાનું કહેલ, ત્યારબાદ લખનભાઇ ડાંગર ઇશ્વરીયા ગામનો હોય ફરીયાદી સાથે ઓળખાણ કેળવી સોદો કેન્સલ નહીં કરવા જણાવેલ અને રૂપીયા અપાવવાની તમામ જવાબદારી તેમણે લીધેલ, ફરીયાદીની દીકરીઓને પણ ખેતીની જમીન લેવી હોય, જેની લખનભાઇને જાણ થતાં વારસાઇ એન્ટ્રી કરાવી લેવાનું કહેલું. અને વારસાઇ એન્ટ્રી માટેની તમામ પ્રોસીઝર પોતે કરી આપશે, તેવું જણાવેલ અને  ફરીયાદીના તમામ વારસદારોના ફોટા, આધારકાર્ડ લઇ યુનીવર્સીટી રોડ ઉપર કનૈયા નામની ઓફીસે સોગંદનામુ કરવા બોલાવેલ. ફરીયાદી ત્યાં તેમના દીકરા સાથે સોગંદનામામાં સહી કરવા માટે જતા જે હયાતીમાં હકક દાખલ કરાવવાના સોગંદનામાના બહાને ફરીયાદી પાસેથી સોગંદનામાના છેલ્લા પાનામાં સહી લઇ તથા નોટરી રજીસ્ટરમાં સહી લઇ આગળના પાના બદલાવી ૧૦૦ રૂપીયાના સ્ટેમ્પ પેપર પર બોગસ સાટાખત ઉભુ કરેલ.

આ બોગસ સાટાખત કરેલ હોવાનું ફરીયાદીને જાણ થતાં તેઓએ પોલીસ કમીશ્નરને અરજી કરેલ, જે અનુસંધાને ડી.સી.બી. પોલીસ સ્ટેશને આરોપીઓ (૧) રસીકભાઇ દેવશીભાઇ થરેશા, (ર) જગદીશ બેચરભાઇ કોળી, (૩) લખન ઘુસાભાઇ ડાંગર, (૪) એમ.જે. વાઘેલા, (૫) એમ.જે. ઠક્કર નોટરી સામે આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૭૧,૧૨૦બી મુજબનો ગુન્હો દાખલ કરેલ.

ઉપરોકત ગુનાના  કામે આરોપી એમ.જે. ઠક્કર નોેટરીએ  આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા એડી. સેશન્સ જજ ડી.કે. દવેએ અરજી નામંજુર કરેલ છે. આ કામમાં સરકાર પક્ષે એપીપી મહેશભાઇ જોષી તથા મુળ ફરીયાદી તરફે યુવા એડવોકેટ રાહુલ એ.પંડયા રોકાયેલા હતા.

(3:50 pm IST)