Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

આર.ટી.ઓ.ના બોગસ લાયસન્સ પ્રકરણના ગુનામાં પાંચ આરોપીઓની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

અસંખ્ય આરોપીઓની ગુનામાં સંડોવણી બહાર આવી રહી છેઃ રાજ્ય વ્યાપી ગુનો છેઃ આરોપીઓને જામીન પર છોડી શકાય નહિઃ સરકારી વકીલની દલીલ માન્ય રાખતી કોર્ટ

રાજકોટ, તા. ૧૮ :. આર.ટી.ઓ.ના બહુચર્ચિત બોગસ લાયસન્સ પ્રકરણ અંગે થયેલ ફરીયાદના અનુસંધાને પકડાયેલા ૧૯ આરોપીઓ પૈકીના પાંચ આરોપીઓએ જામીન પર છુટવા કરેલ અરજીને સેસન્સ અદાલતે ફગાવી દીધી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગુનામાં હજુ ૩૫ જેટલા આરોપીઓને પકડવાના બાકી છે. આ બનાવ અંગે એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. શ્રી રાણાએ જાતે ફરીયાદી બનીને ફરીયાદ નોંધાવી હતી.

આ ગુનામાં જેઓની જામીન અરજી રદ થયેલ છે. તેમાં રાજકોટના જંગલેશ્વરમાં રહેતા અબ્દુલ અહમુલ શેખ, ઈકબાલ જુમાભાઈ શેખ, સુરતના વિપુલ ભરતભાઈ દેવમુરારી, જસદણના ભંડારીયા ગામના રમેશ રૂપાભાઈ એંધાણી તથા ધોરાજીના મોટીમારડના ભનુભાઈ અરજણભાઈ વાઢીયાનો સમાવેશ થાય છે.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના અરજદાર આરોપીઓએ આર.ટી.ઓ. એજન્ટ સાથે મળી ખોટા ડોકયુમેન્ટ હોવાનું જાણવા છતા આર.ટી.ઓ.નું હેવી લાયસન્સ મેળવવા ખોટા ડોકયુમેન્ટો આર.ટી.ઓ. કચેરીમાં રજુ કર્યા હતા.

આ અંગેની એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ જેન્તીગીરીને જાણ થતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યુ હતું.

આ ગુનામાં ઉપરોકત પાંચેય આરોપીઓએ જામીન પર છૂટવા અરજી કરતા એ.પી.પી. શ્રી સમીર ખીરાએ રજૂઆત કરેલ કે, આ રાજ્ય વ્યાપી ગુનો છે. આરોપીઓ દ્વારા ખોટા ડોકયુમેન્ટો રજૂ થયાનો પ્રથમ દર્શનીય ગુનો છે. અસંખ્ય આરોપીઓની સંડોવણી બહાર આવી રહી છે. તપાસ ચાલી રહી છે ત્યારે આરોપીઓને જામીન આપી શકાય નહિ.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને એડી. સેસન્સ જજ શ્રી વી.પી. પરમારે પાંચેય આરોપીઓની જામીન અરજીને નકારી કાઢી હતી. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. સમીર એમ. ખીરા રોકાયા હતા.

(3:49 pm IST)