Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પુજીત ટ્રસ્ટ દ્વારા શનિવારે દિક્ષાગ્રહણ સમારોહ

જ્ઞાનપ્રબોધિની શૈક્ષણીક પ્રોજેકટ અંતર્ગત ધો.૮ થી ૧૨ સુધીના ૨૩ છાત્રો દત્તક લેવાયા : આર.એસ.એસ.ના ડો.કૃષ્ણ ગોપાલજીના હસ્તે રીમોટ કંટ્રોલથી કાર્યક્રમનું દિપ પ્રાગટયઃ વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ વૈદિક શ્લોકોના પઠન દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે સંકલ્પ કરશે

રાજકોટ,તા.૧૮: શહેરના છેવાડાના તથા પછાત વિસ્તારોમાં વસતા, આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા, પરંતુ ભણવામાં ખૂબ જ તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સહાય પૂરી પાડતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ દ્વારા ધો.૮ થી ૧૨ સુધીના અભ્યાસ માટે દતક લેવાયેલા ૨૩ છાત્રો માટેનો દિક્ષાગ્રહણ સમારોહ તા.૨૦ના શનિવારે યોજાએલ છે.

શ્રી પુજીત ટ્રસ્ટના સ્થાપક ચેરમેન તથા રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને પેડક રોડ ઉપર આવેલ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમમાં યોજાનારા દિક્ષાગ્રહણ સમારોહ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ યોજાશે. આ સમારોહના ઉદ્દઘાટક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સહ સરકાર્યવાહ (જોઈન્ટ જનરલ સેક્રેટરી) શ્રી ડો.કૃષ્ણ ગોપાલજી હાજરી આપશે.

સમારોહમાં ધો.૮ થી ૧૨ સુધીના  અભ્યાસ માટે પસંદ થયેલા તમામ છાત્રો અગ્નિ દેવતાની સાક્ષીએ યોજાનાર યજ્ઞમાં વૈદિક શ્લોકોનાં પઠન દ્વારા ઉચ્ચ અભ્યાસ માટેનો સંકલ્પ કરશે તથા તેમને વિદ્યાભ્યાસ કરાવનાર ગુરૂઓ તેઓને ખેસ ઓઢાડી તિલક કરી ઉચ્ચ કારકિર્દી પ્રતિ પ્રયાણ માટે આર્શીવાદ આપશે.

પ્રાચીન તથા અર્વાચીન સંસ્કૃતિના સમન્વય સમાન આ સમારોહનું ઉદ્દઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સહ સરકાર્યવાહ શ્રી ડો.કૃષ્ણ ગોપાલજીના હસ્તે રીમોટ કંટ્રોલ દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવશે. આ તકે યુવા છાત્રોને પ્રોત્સાહિત કરવા સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહેશે તથા ટ્રસ્ટ દ્વારા દતક લેવાયેલ છાત્રોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં નિમિત બનતા શહેરની ખાનગી શાળાઓનાં સંચાલકોનું આ તકે સન્માન કરાશે.

ઉલ્લેખનીય છે કે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોેજેકટ છેલ્લા ૨૦ વર્ષથી જરૂરીયાતમંદ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધા પુરી પાડવા માટે શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં એડમીશન અપાવી તેમનો તમામ પ્રકારનો શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કૂલ ફી, પાઠયપુસ્તકો, માર્ગદર્શીકાઓ, નોટબુકસ, યુનિફોર્મ સહિતના ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત આ વિદ્યાર્થીઓને વ્યકિતગત માર્ગદર્શન આપવા માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ગ્રુપ ટયુશનની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સ્કૂલે જવા આવવા માટે સાયકલ પણ  ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત જરૂર પડયે તમામ પ્રકારની મેડીકલ સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. આ જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ દ્વારા પસંદ થયેલા શરૂઆતની બેચના છાત્રો હાલમાં ડોકટર, એન્જીનિયર, પ્રોફેસર, ફાર્માસીસ્ટ સહિતની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી પોતાના કુટુંબના તારણહાર બની ચૂકયા છે.

જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ સંચાલિત ઉપરોકત દિક્ષાગ્રહણ સમારોહમાં હાજરી આપવા શહેરના તમામ શિક્ષણપ્રેમી નાગરીકોને ટ્રસ્ટી શ્રીમતી અંજલિબેન રૂપાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટી અધિકારીશ્રી ભાવેનભાઈ ભટ્ટનો ટ્રસ્ટના કાર્યાલય, ''કિલ્લોલ'' ૧- મયુરનગર, રાજકોટ મહાનગર પાલિકા પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(3:26 pm IST)