Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

કોન્સ્ટેબલ રવિરાજસિંહની હત્યા કરી આપઘાત કરવા મામલે ગુનો નોંધાયોઃ રવિરાજસિંહના સસરા કિરીટસિંહ ઝાલા બન્યા ફરિયાદી

રાજકોટ તા. ૧૮: શહેરના યુનિવર્સિટી પોલીસ મથકના મહિલા એએસઆઇ ખુશ્બૂબેન રાજેશભાઇ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના ગોળીએ વિંધાયેલા મૃતદેહ ખુશ્બૂબેનના પંડિત દિનદયાળનગરના ફલેટમાંથી મળી આવ્યાના પાંચ દિવસ બાદ એફએસએલનો રિપોર્ટ આવતાં આ ઘટનામાં ખુશ્બૂબેને ફાયરીંગ કરી રવિરાજસિંહની હત્યા કર્યા પછી પોતાના લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધાનું સ્પષ્ટ થયું હતું. આ બનાવમાં પોલીસે હવે હત્યાનો ભોગ બનેલા રવિરાજસિંહના સસરાની ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. આ લખાય છે ત્યારે સવારે પોણા અગિયારેક વાગ્યે તેઓ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા છે.

 એએસઆઇખુશ્બૂબેન કાનાબારના ફલેટમાંથી તેની તથા તેની સાથે જ યુનિવર્સિટી પોલીસ મથકમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં કોન્સ. રવિરાજસિંહ જાડેજાની લાશો મળી હતી. તાલુકા પોલીસે એ.ડી. નોંધી ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં તપાસ આરંભી હતી. ઘટનાના પાંચ દિવસ બાદ એફએસએલનો રિપોર્ટ આવતાં એ સ્પષ્ટ થયું હતું કે ખુશ્બૂબેને પોતાની સર્વિસ પિસ્તોલથી પ્રેમી રવિરાજસિંહ પર ફાયરીંગ કરી તેની હત્યા કર્યા બાદ પોતાના લમણે ગોળી ધરબી આત્મહત્યા કરી લીધી હતી.

આ માહિતી ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પી.આઇ. વી.એસ. વણઝારાએ આપી હતી. તે સાથે એવી સ્પષ્ટતાઓ પણ થઇ હતી કે રવિરાજસિંહ અને ખુશ્બૂબેન એકબીજાના પ્રેમમાં ગળાડુબ હતાં. બંને સાથે ફરવા પણ જતાં હતાં. દરરોજ રાતે નવેક વાગ્યા બાદ રવિરાજસિંહ ખુશ્બૂ કાનાબારના ફલેટે જતાં અને મોડી રાતે ત્યાંથી પોતાના ઘરે જવા નીકળતાં હતાં. આ બાબત ખુશ્બૂ કાનાબારને ગમતી ન હોઇ ઘટનાની રાતે એ કારણે ચડભડ થતાં તેણીએ રવિરાજસિંહને ભડાકે દીધા બાદ પોતે આપઘાત કરી લીધાની શકયતા જણાઇ હતી.

આ ઘટનામાં હવે પોલીસે મૃતક રવિરાજસિંહ જાડેજાના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલા (ઉ.૫૬) (રહે. ગુરૂપ્રસાદ સોસાયટી બી-૫૬)ની ફરિયાદ પરથી હત્યા બાદ આપઘાત કરી લેનારા એએસઆઇ ખુશ્બૂ કાનાબાર સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતીે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં ઇન્ચાર્જ પી.આઇ. એન.એન. ચુડાસમા, પીએસઆઇ ડામોર, રાઇટર ભાવીનભાઇ સહિતે ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી કરી હતી.

કિરીટસિંહ ઝાલાએ જ સોૈ પહેલા મૃતદેહ જોયા હતાં: પિસ્તોલ ખુશ્બૂ કાનાબારના

હાથમાંથી પડી એ દ્રશ્ય પણ તેમણે જોયેલું

. રવિરાજસિંહે રાતે તેના પત્નિના ફોન રિસીવ ન કરતાં અને સવાર સુધી ઘરે ન આવતાં ઘટનાની જાણ થતાં તેમના સસરા કિરીટસિંહ કરણસિંહ ઝાલા (ઉ.૫૩-રહે. ગુરૂપ્રસાદ સોસાયટી બ્લોક નં. ૫૬) તથા મામા સુખદેવસિંહ (ટીનુભા) ઝાલાને થતાં તે તથા બીજા સ્વજનો યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યા હતાં. ત્યાંથી માહિતી મળતાં સસરા કિરીટસિંહ ઝાલા સોૈ પહેલા  ખુશ્બૂ કાનાબારના ફલેટ પર ગયા હતાં. જ્યાં નીચે પાર્કિંગમાં રવિરાજસિંહની કાર પણ જોવા મળી હતી. દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં બીજા ફલેટમાં થઇ ખુશ્બૂ કાનાબારના ફલેટની ગેલેરીમાં જઇને જોતાં બંનેના મૃતદેહ જોવા મળ્યા હતાં. તેમજ ૧૦૮ના તબિબ બંનેને તપાસી રહ્યા હતાં ત્યારે કિરીટસિંહ ઝાલાને મદદ કરવા માટે બોલાવવામાં આવતાં તેઓ ખુશ્બૂ કાનાબારને દૂર ખસેડી રહ્યા હતાં ત્યારે તેણીના હાથમાંથી પિસ્તોલ નીચે પડી હતી. તે દ્રશ્ય પણ કિરીટસિંહ ઝાલાએ જોયું હોઇ પોલીસે તેમને ફરિયાદી બનાવ્યા છે.

(3:32 pm IST)
  • મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે તેમની દિલ્હી મુલાકાત દરમ્યાન રાજ્યના નવનિર્વાચીત સાંસદો સાથે પણ સંસદ ભવન પ્રાંગણ માં શુભેચ્છા મુલાકાત કરી હતી. access_time 5:24 pm IST

  • અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બપોર બાદ ભાજપમાં : રાજકોટ : કોંગ્રેસમાંથી રાજીનામુ ફગાવનારા ઉત્તર ગુજરાતના બે ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આજે ૪ વાગ્યે કમલમ ગાંધીનગર ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે : પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમને આવકારશે : અલ્પેશના મંત્રી મંડળમાં સમાવેશની શકયતા access_time 1:08 pm IST

  • વર્લ્ડકપ હિરો જેશન રોયને મળ્યુ ટેસ્ટ ટીમમાં સ્થાન : પહેલી ઓગષ્ટથી શરૂ થનારી એશિઝ સિરીઝની તૈયારી માટે વર્લ્ડકપ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ રમશે ૨૪ જુલાઈથી આયરલેન્ડ સામે ૪ દિવસથી ટેસ્ટ મેચ access_time 1:07 pm IST