Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મોરબી રોડ ઓવર બ્રિજ નીચે પટેલ યુવાનને તિક્ષ્ણ હથીયાર ઝીંકી ૪II લાખની ચાંદીની લૂંટ

એક લૂંટારો રોડ વચ્ચે ઉભો હોઇ યુવાને બાઇક ઉભુ રાખતાં જ બીજાએ આવી માથામાં ઘા ઝીંકી દીધોઃ પડી જતાં થેલો લૂંટી છનનનઃ પેડક રોડ લાખેશ્વરમાં રહેતો મયુર પોકર રાત્રે સવા દસેક વાગ્યે મોરબી રોડની સોસાયટીઓમાં કાચો માલ આપવા અને તૈયાર માલ લેવા નીકળ્યો ત્યારે બનાવ

લૂંટનો ભોગ બનેલો લેઉવા પટેલ યુવાન મયુર પોકર અને વિગતો જણાવતાં તેના પિતા દિનેશભાઇ પોકર. મયુરને કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે

રાજકોટ તા. ૧૮: શહેરના મોરબી રોડ પર ઓવર બ્રિજની નીચે સિતારામ સોસાયટીના કાચા માર્ગ પર સામા કાંઠે રહેતાં લેઉવા પટેલ યુવાનના બાઇકને આંતરી તેના માથા પર કોઇ તિક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકી રૂ. ૪,૫૦,૦૦૦ના ચાંદીના સાંકળા (પાયલ) ભરેલા થેલાની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. આ યુવાન પોતાના ઘરેથી બાઇક પર કાચો માલ રાખી મોરબી રોડની સોસાયટીઓમાં કામ આપવા જતો-આવતો હોઇ તેની રેકી કર્યા બાદ બે લૂંટારાએ લૂંટના પ્લાનને અંજામ આપ્યાની શકયતા છે. બી-ડિવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોએ ભેદ ઉકેલવા દોડધામ આદરી છે.

બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે આડા પેડક રોડ પર લાખેશ્વર સોસાયટી શિવશકિત ડેરી પાછળ 'બ્રહ્માણી કૃપા' ખાતે અરજણભાઇ ખોયાણીના મકાનમાં ભાડેથી રહેતાં મયુર દિનેશભાઇ પોકર (ઉ.૨૬) નામના લેઉવા પટેલ યુવાનની ફરિયાદ પરથી અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષના બે શખ્સો સામે આઇપીસી  ૩૯૪, ૩૪૧, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ મયુર પર તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી માથામાં જમણી બાજુ ગંભીર ઇજા પહોંચી રૂ. ૪,૫૦,૦૦૦ના ચાંદીના સાંકળા (પાયલ) ભરેલો થેલો લૂંટી જવા સબબ ગુનો નોંધ્યો  છે.

મયુરે ફરિયાદમાં જણાવ્યું છે કે હું માતા-પિતા સાથે રહુ છું અને ઘરે બેઠા ચાંદીકામ કરુ છું. મારા માતા મીનાબેન અને પિતા દિનેશભાઇ પણ આ કામમાં મદદ કરે છે. એક બહેન સાસરે છે. મારો નાનો ભાઇ કેનેડા રહે છે. મારા લગ્ન થયા નથી. બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે હું ઘરેથી ૯ કિલો કાચો માલ ચાંદીના સાંકળા (પાયલ) ના પેકેટ તથા બીજો માલ જેમાં ૮ કિલો સાંકળા હતાં તે કાળા રંગના થેલામાં રાખી મારા હોન્ડા બાઇક જીજે૩સીડી-૭૧૧૧માં રાખી મોરબી રોડ નાની ફાટક પાસે રાજલક્ષ્મી સોસાયટી નજીક ઓમ પાર્ક-૩માં રહેતાં કિરણબેન અશ્વિનભાઇ ગઢીયાને કામ આપવા ગયો હતો. નવ કિલો સાંકળા તેને આપ્યા હતાં.

અગાઉ કિરણબેનને ૧૬મીએ ઘુઘરી ફીટ કરવા તેર કિલો સાંકળા આપ્યા હતાં. તે થઇ ગયા હોઇ એ માલના બે પેકેટ મારા થેલામાં રાખ્યા હતાં. બીજો અઢી કિલો ચાંદીનો માલ થેલામાં હતો. ત્યારબાદ હું મોરબી રોડ ઓવર બ્રિજ સામે પંચવટી સોસાયટીમાં શોભનાબેનને ચાંદીનો માલ આપવા માટે નીકળ્યો હતો. ચાંદી ભરેલો થેલો મેં બાઇકની ટાંકી ઉપર રાખ્યો હતો. હું ઓવર બ્રિજ નીચે ગરનાળામાં થઇ પંચવટી    સોસાયટી તરફજવાના કાચા રસ્તા તરફ રોડ પર ચડ્યો ત્યારે સિતારામ સોસાયટી સામે પહોંચતા જ કાચા રોડ પર એક શખ્સ રોડ વચ્ચો-વચ્ચ ઉભો રહી ગયો હતો.

જેથી મેં મારા બાઇકને બ્રેક મારી ઉભુ રાખ્યું હતું. તે સાથે જ બીજો શખ્સ અચાનક આવી ગયો હતો અને મારા માથા પર જમણી સાઇડમાં કંઇક ધારદાર હથીયાર મારી દેતાં હું લોહીલુહાણ થઇ પડી ગયો હતો. તે સાથે જ બંને શખ્સ ચાંદીનો માલ ભરેલો કાળો થેલો લઇ મોરબી રોડ ઓવર બ્રિજ નીચે નાલા તરફ ભાગી ગયા હતાં.

મને ચક્કર આવવા માંડતાં થોડીવાર બેસી રહી બાદમાં નજીકમાં ફઇના દિકરી હેતલબેન પરસાણા રહેતાં હોઇ તેને ફોન કરતાં બનેવી મનસુખભાઇ તથા તેના મિત્ર મારી પાસે હું જ્યાં રોડ પર પડ્યો હતો ત્યાં આવ્યા હતાં અને મને કુવાડવા રોડની ગોકુલ હોસ્પિટલે ખસેડ્યો હતો. મારા પિતાને જાણ થતાં તેઓ પણ આવી ગયા હતાં. લૂંટારા જે ચાંદી લૂંટી ગયા તે ૧૫II કિલો હતી અને તેની કિંમત રૂ. ૪,૫૦,૦૦૦ થાય છે.

બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવાર અને સંજયભાઇ કુમારખાણીયાએ ગુનો નોંધ્યો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, ડી. સ્ટાફના પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ, મોહસીનખાન, એભલભાઇ બરાલીયા, હરપાલસિંહ, મનોજભાઇ, કેતનભાઇ પટેલ સહિતનો કાફલો તેમજ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને ટીમોએ ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી ભોગ બનનાર પાસેથી માહિતી મેળવી તપાસ શરૂ કરી હતી.

પોલીસની ટૂકડીઓએ ઘટના સ્થળ આસપાસ સવાર સુધી અલગ-અલગ દિશામાં દોડધામ કરી હતી પણ લૂંટારાના સગડ મળ્યા નહોતાં. વિશેષ તપાસ પીએસઆઇ આર. એસ. સાંકળીયાને સોંપવામાં આવી છે.

લૂંટારાઓએ રેકી કરી હોય તેવી શકયતાઃ એક લાંબા વાળવાળો અને બીજો કાળો હતો

. પટેલ યુવાન મયુર પોતાની ઘરેથી લગભગ દરરોજ કે એકાંતરા ચાંદીનો કાચો માલ લઇ મોરબી રોડની જુદી-જુદી બે સોસાયટીમાં જતો-આવતો હતો. લૂંટારાઓએ તેની રેકી કર્યા પછી લૂંટના પ્લાનને અંજામ આપ્યાની શંકા મયુરના પિતા દિનેશભાઇ પોકરે દર્શાવી હતી. તેના કહેવા મુજબ એક લૂંટારો ખુબ કાળો હતો અને બીજાના વાળા લાંબા હતાં. બંને દોટ મુકી ગરનાળા તરફ ભાગ્યા હતાં. તેણે પોતાનું વાહન ગરનાળા પછી કયાંય પાર્ક કર્યુ હોય તેવી શકયતા છે.

(11:46 am IST)