Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

રૂડા તંત્રની મહેરબાનીથી વડવાજડી અને વીરડાવાજડી વચ્ચે ૧૦ વાગ્યે અંધારૂ થાય છે અને અજવાળુ પણ ૧૦ વાગ્યે !

છેલ્લા કેટલાય મહિનાથી હાઈવે પરના ઈલેકટ્રીક પોલના 'ટાઈમર' સામે આંખ આડા કાન ! જવાબદાર સામે પગલા લેવાય તો જ સરકારી બાબુ સુધરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર વિજળી બચાવો માટે અથાગ પ્રયાસો કરે છે પરંતુ 'હોતી હૈ ચલતી હૈ'ના સૂત્ર સાથે બેદરકારીથી કામ કરતા અધિકારીઓ કેમેય સુધરતા નથી અને લોકોમાં પણ જાગૃતતાનો અભાવ છે. રાજકોટની ભાગોળે આવેલ વીરડાવાજડી અને વડવાજડી વચ્ચે હાઈવે પર ઈલેકટ્રીક પોલમાં છેલ્લા ચારેક માસથી સવારે ૧૦ વાગ્યે લાઈટ બંધ થાય છે અને રાત્રે ૧૦ વાગ્યે ચાલુ થાય છે. મેટોડા જીઆઈડીસીમાં હજારો કારખાનેદારો-કામદારો તથા વાહન વ્યવહાર સાથે જોડાયેલા લોકોની અવરવજર છે. આ બધા અગવડતા અનુભવે છે પરંતુ નિંભર તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. રોડ ઉપર જેમ બાંધકામ વિભાગના પાપે મરેલા પશુઓના મતદેહો કચડાઈ-કચડાઈને નામશેષ થઈ જાય ત્યાં સુધી કોઈ હટાવતુ નથી તેમ વીરડાવાજડી અને વડવાજડી વચ્ચે હાઈવેના ડીવાઈડરમાં નાખવામાં આવેલ ઈલેકટ્રીક લાઈટ છેલ્લા ચારેક માસથી એટલે કે શિયાળાની સીઝનથી સવારે ૧૦ વાગ્યે બંધ થાય છે અને રાત્રે ૧૦ વાગ્યે ચાલુ થાય છે. પરીવહન કરનાર લોકો તંત્રનું ધ્યાન પણ દોરે છે પરંતુ 'અન્ય' કામગીરીમાં વ્યસ્ત અધિકારીઓનાં પેટનું પાણી હલતુ નથી. લોકોના ટેકસના પૈસાનું પાણી અને ઉર્જા બચાવોના સરકારના સૂત્રનો છેદ ઉડી જાય છે છતાં સબંધિત તંત્ર સાવ લાપરવાહ છે. કોના બાપની દીવાળી !! (તસ્વીરઃ નરેન્દ્રસિંહ જાડેજા)

(10:01 am IST)