Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વાવડીમાં ૨૯.પ૮ કરોડનાં ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇનનું નેટવર્કઃ સ્ટેન્ડીંગમાં દરખાસ્ત મંજુર

વોર્ડ નં.૧૬-૧૮ તથા ૭ માં ૪પ થી ૭૦ ટકા ઉંચા ભાવે ભૂગર્ભ ગટર ફરિયાદ નિકાલ કોન્ટ્રાકટ મંજૂરઃ સ્ટેન્ડીંગ કમીટીમાં ૩૬ દરખાસ્તોનો નિર્ણય લઇ ૩૭.૮૭ કરોડનાં વિકાસ કામોને લીલી ઝંડી આપતાં -ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ, તા.૧૮: મ્યુ.કોર્પોરેશનની આજે મળેલી સ્ટેન્ડીંગ કમીટીમાં શહેરનાં નવા ભેળવાયેલ વિસ્તાર અને વોર્ડ નં.-૧૨નાં વાવડી વિસ્તારમાં રૂ.૨૯.પ૮ કરોડનાં ખર્ચે ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવા માટેની ડી.આઇ. પાઇપ લાઇનનું નેટવર્ક બે વર્ષમાં ઉભુ કરી ઘરે-ઘરે પાઇપ પહોંચાડવાની દરખાસ્ત સહીત કુલ ૩૬ દરખાસ્તો અંગે નિર્ણયો લઇ અને કુલ ૩૭.૮૭ કરોડનાં વિકાસ કામોને ચેરમેન ઉદય કાનગડે લીલી ઝંડી આપી. હવે આ અંગે વિસ્તૃત માહિતી આપતા ચેરમેન શ્રી કાનગડે જણાવ્યુ હતુ કે વોર્ડ નં.૧૨ નાં વાવડી વિસ્તારમાં આવેલ વાવડી ગામ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, રસુલપરા, ગૌતમ બુધ્ધનગર, ભારતનગર, વિશ્વકર્મા સોસાયટી, મહમદી બાગ, શકિતનગર, બકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા સહીતનાં વિસ્તારમાં ૩૦ હજાર લોકોને ૧૦૦ એમ.એમ.થી ૬૦૦ એમ.એમ ડાયામીટરથી ડી.આઇ પાઇપ લાઇન ૧,૧૮,૪૪૦ રનીંગ મિટર નંખાશે.

આ કામનો કોન્ટ્રાકટ કે.એસ.ડી કન્સ્ટ્રકશનને અપાયો છે. અને આ કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની શરતે કોન્ટ્રાકટ અપાયો છે.

આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમીટીમાં વોર્ડ નં.૧૬ અને ૧૮માં ૪પ ટકા ઉંચા ભાવે અને વોર્ડ નં.૭માં ૭૦ ટકા ઉંચા ભાવે ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપ્યાનું મંજુર થયેલ. જયારે મંડપ સર્વિસનો બે વર્ષનો રેઇટ કોન્ટ્રાકટ ઉમિયા મંડપને ૨૭ ટકા ઉંચા ભાવે આપવા નિર્ણય લેવાયો હતો.

આજની બેઠકમાં તબીબી સહાયના ૪.૩૦ લાખ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં રૂ.૧૨ લાખનો ખર્ચ, ૧૩ લાખનાં પેવીંગ બ્લોક   વૃક્ષારોપણનો પ૭ લાખનાં ખર્ચ સહીતની ૩૭ દરખાસ્તોમાં નિર્ણય લેવાયો હતો. (૨૩.૧૦)

(4:20 pm IST)