Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

એક દાયકો નરેન્દ્રભાઇ મોદીનો દબદબો રહેશેઃ સુરેશજી

RSSના વરિષ્ઠ પ્રચારક અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી 'અકિલા'ની મુલાકાતે :મોદીજીના રોમેરોમમાં રાષ્ટ્રભકિત છલકે છેઃ કાશ્મીરમાં દશેક ટકા લોકો અરાજકતા સર્જે છે, બાકીના મોટાભાગના લોકો સકારાત્મક છેઃ શાખાની ભૂૂમિકા બદલશે, જે તે વિસ્તારની સમસ્યાઓનું અધ્યયન-સર્વે-નિવારણ શાખાના માધ્યમથી થશેઃ સુરેશજી જૈન

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંઘના વરિષ્ઠ પ્રચારક અને ભારત વિકાસ પરિષદના સંગઠન મંત્રી સુરેશજી જૈન અને ભારત વિકાસ પરિષદના વિનોદભાઇ  લાઠિયા, જેસુરભાઇ ગુજરિયા, ગૌતમભાઇ પટેલ નજરે પડે છે.(તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ :.. નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનું ઉત્થાન થઇ રહયું છે. રાષ્ટ્રને મોદીજીની જરૂર છે. એક દાયકો મોદીજીનો દબદબો રહેશે અને વિશ્વમાં ભારતની અલગ ઓળખ સ્થાપિત થશે. આ  શબ્દો આરએસએસના વરિષ્ઠ પ્રચારક અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈનના છે.

સુરેશજી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં. તેઓનું રાષ્ટ્રીય ચિંતન ગહન છે અને લોકોનો મૂડ પારખવામાં માસ્ટરી ધરાવે છે. ર૦૧૪ ની લોકસભાની ચૂંટણી પૂર્વે સુરેશજી અકિલાની મુલાકાતે આવ્યા હતાં. અને સ્પષ્ટ કહ્યું હતું કે, મોદીજી બહુમતી સાથે સરકાર રચી રહ્યા છે. આ નિરીક્ષણ અક્ષરસઃ સાચુ પડયું છે.

સુરેશજીએ જણાવ્યું હતું કે, મોદીજીના રોમરોમમાં રાષ્ટ્રભકિત છલકે છે. રાષ્ટ્રના ઉત્થાનનું  મહાકાર્ય ચાલી રહ્યું છે એ કયારે આરામ કરે છે તેનો ખ્યાલ આવતો નથી. સતત કાર્યરત રહે છે. અને ચહેરા પર કાયમ તાજગી તરવરતી  રહે છે. લોકોને પણ મોદીજી પર શ્રધ્ધા છે અને આ નેતૃત્વ  પ્રભુની દેન હોય તેવી સમજ પ્રવર્તે છે. કોઇની આસ્થા ઓછી થઇ નથી. ઉપરાંત હિન્દુત્વના જાગરણનું કામ પણ થયું છે. આવા બધાં જ કારણે કમસેકમ એક દાયકો મોદીજીનો દબદબો રહેશે.

મોદીજીના નેતૃત્વમાં દેશ અદ્વિતીય ગતિ કરી રહ્યો છે.

કાશ્મીર અંગેના સવાલમાં સુરેશજીએ જણાવ્યુ હતું કે, કાશ્મીરમાં ૧૦ ટકા જેટલા લોકો અરાજકતા સર્જે છે. બાકીના રાષ્ટ્ર પ્રત્યે સકારાત્મક છે. મોદી સરકાર કાશ્મીરી ત્રાસવાદના મૂળ સુધી પહોચી છે, પરિણામ મળશે જ.

સુરેશજી કહે છે કે, કાશ્મીરી આતંકવાદ પાકિસ્તાન  પ્રેરિત છે. અત્યાર સુધી પાકિસ્તાન અમેરિકા પર નિર્ભર હતું. હાલ ચીનના ભરોસે ચાલે છે. અમેરિકાનું સમર્થન પાકિસ્તાનને મળતુ બંધ થયુ એ ભારતની મોદી સરકારની મોટી સિદ્ધિ છે.

ડાબેરીઓએ તાજેતરમાં હિન્દુત્વ તરીકે ઝોક દાખવ્યો છે. આ અંગે સુરેશજી કહે છે કે તાજેતરમાં નેપાળમાં પ્રચંડના નેતૃત્વમાં બેઠક મળી હતી, જેમાં ભારતના ડાબેરીઓ પણ સામેલ હતા. ભારતમાં હિન્દુ ધર્મના વિરોધના કારણે ડાબેરીઓને પછડાટ મળી છે તેવું તારણ નીકળતા ભારતના ડાબેરીઓને આદેશ મળ્યો છે કે, હિન્દુઓને ખુશ કરો. આ કારણે ડાબેરીઓ અચાનક હિન્દુવાદી બની રહ્યા છે. જો કે  ડાબેરીઓનો મુખ્ય ધ્યેય ભારતને તોડવાનો છે.

સુરેશજીએ જણાવ્યું હતું કે, સંઘની શાખાઓની સંખ્યા ખુબ વધી છે. શાખાઓની ભૂમિકા બદલાઇ રહી છે. જે વિસ્તારમાં શાખા લાગતી હોય એ વિસ્તારની સામાજિક સમસ્યાઓ અંગે અધ્યયન કરીને સ્વયંસેવકો સર્વે કરશે અને સમસ્યાના નિવારણ માટે પ્રયાસ કરાશે.

સુરેશજી જૈન રાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુબ ચિંતન કર્યુ છે અને મુલાકાતમાં વિવિધ મુદ્દાઓ ચર્ચાયા હતા. મુલાકાત પ્રસંગે ભારત વિકાસ પરીષદના વિનોદભાઇ લાઠિયા, જેસુરભાઇ ગુજરિયા, ગૌતમભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત વિકાસ પરિષદની ૧ર૦૦ શાખાઓ

ગુજરાતમાં ૬પ અને સૌરાષ્ટ્રમાં ૧૯ શાખાઓ ધમધમે છેઃ મૂલ્યોનું સ્થાપન, સમાજ ઉત્થાન ધ્યેય

રાજકોટ તા. ૧૮ :.. ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન અકિલાની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ સંસ્થા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સેવા થકી સમાજ ઉત્થાન અને મૂલ્યોનું સ્થાપન મુખ્ય ધ્યેય છે. દેશ-વિદેશમાં ભારત વિકાસ પરિષદની ૧ર૦૦ શાખાઓ ધમધમે છે. ગુજરાતમાં ૬પ અને સૌરાષ્ટ્રમાં ૧૯ શાખાઓ છે. સતત વિવિધ પ્રવૃતિઓ ચાલે છે. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, ગુરુવંદન-છાત્ર અભિનંદન, ભારત કો જાનો પ્રશ્ન મંચ વગેરે રાષ્ટ્રીય કાર્યક્રમો છે. વિવિધ પ્રકારની સેવા અને ઉજવણીઓ કાયમી પ્રકલ્પો છે. રાસ-ગરબા આયોજન, વૃક્ષારોપણ ક્ષેત્રે પણ કામ થઇ રહ્યું છે. સૌરષ્ટ્રમાં આ પ્રવૃતિ વિકસી રહી છે. વધારે વિગતો માટે વિનોદભાઇ લાઠીયા, જેસુરભાઇ ગુજરીયા, ગૌતમભાઇ પટેલનો સંપર્ક થઇ શકે છે. મો. નં. ૯૪ર૬ર ૦૩પ૦૦, મો. ૯૭ર૪૪ ૪૭૩૯૯ નંબર પર સંપર્ક કરી શકાય છે.

(4:14 pm IST)