Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

મહાત્મા ગાંધી પ્લોટ સી.સી.ટીવી કેમેરાથી સજજ : કાલે લોકાર્પણ

સોસાયટીના લોકોએ જાતે જ સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવી : વિદ્યાર્થી સન્માનનું પણ આયોજન

રાજકોટ તા. ૧૮ : 'આપણી સુરક્ષા આપણે જ કરીએ' એવી ઉકિત અહીંના બેડીપરા પારેવડી ચોકમાં આવેલ મહાત્મા ગાંધી પ્લોટના રહેવાસીઓએ ચરીતાર્થ કરી બતાવી છે. જાતે જ આખી સોસાયટીમાં સ્વખર્ચે સીસીટીવી કેમેરા ગોઠવી દઇ સુરક્ષા વ્યવસ્થા દ્રઢ બનાવતા આવતી કાલે લોકાર્પણ સમારોહ ગોઠવેલ છે.

આ અંગે વિગતો વર્ણવતા એમ.જી. પ્લોટ સામાજીક સંગઠનના આગેવાનોએ જણાવેલ કે અમારી સોસાયટી શાંતિ અને ભાઇચારાથી રહે છે. રાજકીય પ્રવૃત્તિથી અલગ રહીને કાર્ય કરતા સોસાયટીના સંગઠન દ્વારા સમગ્ર સોસાયટીને સી.સી.ટી.વી. કેમેરાથી સજજ કરવા પ્રસ્તાવ મુકાયો અને રહેવાસીઓએ સ્વૈચ્છીક ઉત્સાહ દર્શાવતા ઘર દીઠ રૂ.૧૦૦૦ જેવી રકમ ઉઘરાવી સમગ્ર સોસાયટીને સી.સી.ટી. કેમેરાથી સજજ કરી દેવાઇ છે.

જેનો આવતીકાલે લોકાર્પણ સમારોહ ગોઠવેલ છે. કાલે ગુરૂવારે સાંજે ૬ વાગ્યે રાધાકિશન મંદિર પાસે, મહાત્મા ગાંધી પ્લોટ, પારેવડી ચોક ખાતે જિલ્લા કલેકટર શ્રી ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની ઉપસ્થિત રહેશે. વિદાય લઇ રહેલ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના હસ્તે   આ સીસીટીવી કેમેરાનું ઉદ્દઘાટન કરાશે.

આ અવસરની સાથો સાથ સોસાયટીમાં રહેતા પરિવારોના ધો.૧ થી ૧૨ માં સારા માર્કસ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ પણ ગોઠવવામાં આવેલ છે. આવા વિદ્યાર્થી ભાઇ બહેનોને પણ સન્માનીત કરી પ્રોત્સાહીત કરાશે.

ઉલ્લેખનીય છે કે આ સોસાયટી દ્વારા રાધાકિશન મંદિરે રાત્રી શાળા પણ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે ગણિત ઇંગ્લીશ જેવા વિષયોનું જ્ઞાન અપાય છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા એમ.જી. પ્લોટ સામાજીક સંગઠન મંચના આગેવાનો સર્વશ્રી કિશોરભાઇ જાદવ, મુળજીભાઇ મકવાણા, ખીમજીભાઇ પરમાર, કેશુભાઇ ચાવડા, ભનુભાઇ સોલંકી, અશોકભાઇ જોનીભાઇ, અશોકભાઇ રાઠોડ (મો.૯૧૦૬૮ ૦૪૫૭૭) નજરે પડે છે (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:58 pm IST)