Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કોઠારીયા સોલવન્ટ પાસે આઇશર પાછળ બાઇક અથડાતા પટેલ પ્રૌઢ અને યુવાનનો જીવ ગયો

સાધુ વાસવાણી રોડ પર રહેતાં હિતેષ વાઘાણી (ઉ.૩૦) અને ન્યુ અંબિકા પાર્કના દેવરાજભાઇ કાલાવડીયા (ઉ.૫૬) શાપરથી રાજકોટ આવતા'તા અને કાળ ભેટી ગયોઃ પરિવારમાં શોકની કાલીમા

દેવરાજભાઇ કાલાવડીયા અને હિતેષભાઇ વાઘાણીના નિષ્પ્રાણ દેહ

રાજકોટ તા. ૧૮: શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટ નજીક પરીન ફર્નિચર પાસે બપોરે આઇશર પાછળ બાઇક અથડાતાં તેના પર સવાર રાજકોટના પટેલ પ્રૌઢ અને પટેલ યુવાનના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બંને મિત્રો શાપરથી દવા લઇને રાજકોટ પરત આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં કાળ ભેટી ગયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ સાધુ વાસવાણી રોડ પર ગોલ્ડન સુપર માર્કેટ સામે ક્રિષ્ના પાર્ક-૧માં રહેતો હિતેષભાઇ મનસુખભાઇ વાઘાણી (ઉ.૩૦) નામનો પટેલ યુવાન અને તેમના મિત્ર રૈયા ચોકડીથી આગળ ન્યુ અંબિકા પાર્ક-૧માં રહેતાં પટેલ દેવરાજભાઇ રઘુભાઇ કાલાવડીયા (ઉ.૫૬) સવારે કામ સબબ હોન્ડા સ્પ્લેન્ડરમાં બેસીને શાપર વેરાવળ ગયા હતાં. ત્યાંથી બપોરે બંને પરત આવી રહ્યા હતાં ત્યારે કોઠારીયા સોલવન્ટ નજીક આઇશરના ચાલકે અચાનક બ્રેક મારતાં કે પછી કંઇપણ બનતાં હોન્ડા ચાલકે કાબુ ગુમાવતાં આઇશરની પાછળ અથડાયું હતું.

અકસ્માતમાં બંને મિત્રો હિતેષભાઇ અને દેવરાજભાઇ એમ બંનેને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ લોહીલુહાણ થઇ ઢળી પડ્યા હતાં. ૧૦૮ના ઇએમટીએ બંનેને મૃત જાહેર કર્યા હતાં. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જયદેવભાઇ બોસીયા,  ભીખુભાઇ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર હિતેષભાઇ બે ભાઇમાં મોટા હતાં અને ઘર નજીક શ્રી ઉમા ઇલેકટ્રીક નામે દૂકાન ધરાવતાં હતાં. તેને અઢી વર્ષની દિકરી માહી છે. તેના પિતા ખેતી કરે છે. જ્યારે દેવરાજભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં.

સંતાનમાં બે પુત્રો છે. તે પગીપણું કરતાં હતાં. મિત્ર હિતેષને દવા લેવાની હોઇ તેની સાથે શાપર ગયા હતાં અને પરત આવતી વખતે બંનેના મોત નિપજ્યા હતાં.

(3:43 pm IST)