Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

જંકશન પ્લોટના યોગેશ માખેચાને લાંબા બંદરના અરજણ આહિરની જમીન મામલે ખૂનની ધમકી

સુરતની તારા મામાની જમીનમાંથી તારે ભાગ દેવો જ પડશે... : અરજણના માણસ લાલા ભરવાડે પણ ગાળો ભાંડી ધમકી દીધીઃ પ્ર.નગર પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૮: જંકશન પ્લોટ લોહાણા ચાલ-૧૫માં રહેતાં અને ટીવી-એસીના માર્કેટીંગનું કામ કરતાં યોગેશ રતિલાલ માખેતા (ઉ.૩૯) નામના લોહાણા યુવાનને જામનગરના ભાટીયા પાસેના લાંબા બંદરના અરજણ આહિર અને રાજકોટના લાલા ભરવાડે યોગેશના મામાની સુરતમાં આવેલી જમીનનો ભાગ માંગી બળજબરીથી જમીન પડાવવા ગાળો દઇ ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં યોગેશ માખેચાએ જણાવ્યું છે કે હું ટીવી-એસીના માર્કેટીંગનું કામ કરુ છુ. મારા માતા-પિતા પંદર-વીસ વર્ષ પહેલા ગુજરી ગયા છે. હું એકલો જ રહુ છું. સુરતમાં અઠવા લાઇનમાં મારા મામા અશ્વિનભાઇ રહેતાં હતાં. તેમની ઉધના વિસ્તારમાં જમીન આવેલી છે અને તેનો કેસ સુરતની કોર્ટમાં ચાલે છે. બે વર્ષ પહેલા અમારા લત્તામાં રહેતાં માધવજીભાઇ અને તેમના જમાઇએ મારી ઓળખાણ અરજણ આહિર સાથે કરાવી હતી. મામાની જમીનનો કેસ ચાલુ હોઇ અને પ્રોપર્ટી સર્ટી કઢાવવું હોઇ અરજણને વાત કરતાં તેણે પોતે પોતાના વકિલ મારફત આ કામ કરી આપશે તેમ કહ્યું હતું.

પરંતુ દસ મહિના સુધી સર્ટી ન આવતાં  અજરણના વકિલને છુટો કરી દીધો હતો અને મારા ખર્ચે નવો વકિલ રાખી કાર્યવાહી કરવાહી તી. ૬/૭ના હું મારા ઘરે હતો ત્યારે અરજણ અને લાલો ભરવાડ આવ્યા હતાં અને સુરતની તારા મામાની જમીનમાં તારે ભાગ આપવો પડશે તેમ કહેતાં મેં કહેલ કે તમારા વકિલે મારું કોઇ કામ જ નથી કર્યુ તો ભાગ નહિ મળે. આથી અરજણ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો આપી તું ભાગ નહિ આપ તો જીવતો નહિ મુકુ તેમ કહી ધમકી આપી હતી. ત્યારબાદ ૧૬/૭ના હું ઘરની બહાર નીકળતાં લાલા ભરવાડે આવી ફરીથી ધમકી આપી કહેલું કે અરજણ આહિરે બે-ત્રણ ધક્કા ખાધા તું કયાં ભાગી ગયો હતો? આ શખ્સે પોતે અરજણનો માણસ હોવાનું કહી ગાળો દોઇ ધમકી આપી હતી.

પ્ર.નગર પી.આઇ. કાતરીયાની રાહબરીમાં ગુનો નોંધી એએસઆઇ ટી.આર. બુહાએ વિશેષ તપાસ શરૂ કરી છે. યોગેશના મામા અશ્વિનભાઇ જમીન લે-વેંચનું કામ કરતાં હતાં અને તેઓ ગુજરી ગયા છે. એ પહેલા સુરતની જમીનનું વસીયત નામુ યોગેશના નામે કરી ગયા છે. તેનું પ્રોપર્ટી સર્ટી કાઢવા માટે તેણે અરજણ આહિરની મદદ માંગી હતી. હવે અરજણે જમીનમાં ભાગ માંગી ધમકી આપતાં પોલીસ તેને અને તેના માણસ લાલાને શોધી રહી છે.

(12:28 pm IST)