Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

વેકસીનના રાા લાખ ડોઝ પડયા છે છતા...

કોરોના વેકસીનેશન કેમ્પ યોજવામાં પણ શાસકોની રાજકીય કિન્નાખોરી : ડો.હેમાંગ વસાવડા

મધુરમ હોસ્પીટલને વેકસીનેશન કેમ્પની મૌખીક મંજુરી આપ્યા બાદ પ્રક્રિયા અટકાવી દેવાતા પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખનો આક્રોશ

રાજકોટ તા. ૧૮ :.. મ.ન.પા.નાં શાસકો  વેકસીનેશન કેમ્પનાં આયોજનમાં પણ રાજકિય કિન્નાખોરી દાખવતા હોવાનો સણસણતો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ અને જાણીતા ન્યુરો સર્જન ડો. હેમાંગ વસાવડાએ કર્યો છે.

આ અંગે શ્રી વસાવડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધુરમ હોસ્પીટલના ન્યુરો સર્જન અને કોંગ્રેસના પ્રદેશ કક્ષાના અગ્રણી મારફત કોર્પોરેશનના અધિકારીઓને મંગળવાર તા. ૧પ જૂનના રોજ કોરોના વેકસીનનો કેમ્પ યોજવા માંગણી કરવામાં આવી હતી. કોર્પોરેશને જુદા જુદા ટ્રસ્ટ અને વ્યકિતઓને આવા કેમ્પ કરવાની વ્યવસ્થા પણ કરી આપી છે અને ભૂતકાળમાં આવા સેવાભાવી સંગઠનોને સાથે રાખી કોર્પોરેશને અનેક કેમ્પ કરેલા છે.

ત્યારે ડો. હેમાંગ વસાવડા આયોજીત આ કેમ્પમાં વારંવાર વિનંતી રૂબરૂ અને લેખીત પ્રક્રિયા પછી પણ આશ્ચર્યકારક રીતે મૌખીક મંજૂરી આપ્યા પછી આ કેમ્પની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે.

આથી ફલીત થાય છે કે કોરોના મહામારી સામે લડવામાં પણ શાસનકર્તાઓ કેટલી હદે પક્ષીય રાજકારણ વચ્ચે લાવી રહયા છે. કેમ્પની માંગણી કરતી વખતે તે સોશીયલ મીડીયામાં પ્રજા સમક્ષ મુકતી વખતે કયાંય પણ પક્ષીય લેટર-હેડ, સીમ્બોલ કે પક્ષનું નામ વાપરવામાં ન આવ્યું હોવા છતાં અધિકારીઓએ કારણ આપેલ કે તમે સોશીઅલ મીડીયામાં પ્રચાર કરો છો.

આધારભુત માહીતી પ્રમાણે, કોર્પોરેશન પાસે અઢીલાખ વેકસીનના ડોઝ પડયા છે એજ બતાવે છે કે કોર્પોરેશન વેકસીનેશન કરવામાં કેટલું પાછળ છે.

લોકોના ભલા માટે બીનપક્ષીય રીતે સ્વખર્ચે નીઃશુલ્ક કેમ્પનું આયોજન થાય અને આયોજકો કોંગ્રેસ સાથે જોડાયેલ હોયતો કેમ્પ નહી આપવાનો ? આવા નિર્ણય દ્વારા અધીકારીઓકે પડદા પાછળના અદ્રશ્ય નેતાઓ એવો સંદેશો આપી રહ્યા છે કે સેવા કરવા અને લોકોને મદદ કરવા ચોક્કસ પ્રકારનો 'ખેસ' પહેરવો ફરજીયાત છે ? તેવા સવાલો ડો. વસાવડાએઆ તકે ઉઠાવ્યા છે. ત્યારે આ કેમ્પના આયોજનને મંજુરી આપવામા આવે અને કોરાના સામેની મહામારીમાં લોકોને બચાવવાની તક આપવામાં આવે તેવી માંગ ડો. વસાવડાતેમજ પ્રવિણભાઇ મૈયડ, જે.આર. ભટ્ટી, પ્રતિમાંબેન વ્યાસ વગેરેએ નિવેદનના અંતે ઉઠાવી છે.

(4:21 pm IST)