Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

બે કંપનીમાં રોકાણના નામે રમેશભાઇ ડોબરીયા સાથે ૨૧.૫૦ લાખની છેતરપીંડીની લેખિત રાવ

૨૦૧૯માં રોકાણ વખતે અપાયેલા વચનો પાળ્યા નહિઃ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી કિશોર ડોબરીયા સામે પગલા લેવા માંગણી કરવામાં આવી

રાજકોટ તા. ૧૮: શહેરના ૧૫૦ રીંગ રોડ પર ગોવર્ધન ચોકમાં રહેતાં યુવાને પોતાની સાથે અલગ અલગ બે કંપનીમાં રોકાણના નામે રૂ. ૨૧,૫૦,૦૦૦ની છેતરપીંડી થયાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનરશ્રીને કરી ન્યાય માટે માંગણી કરી છે.

આ બારામાં ૧૫૦ ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક તપન સ્કૂલ પાસે જય ભવાની ખાતે રહેતાં રમેશભાઇ બીજલભાઇ કલસરીયાએ જુનાગઢ નવા નાગરવાડા રોડ પર રહેતાં કિશોરભાઇ ડોબરીયા અને ૧૫૦ રીંગ રોડ પર ઓફિસમાં બેસતાં તપાસમાં ખુલે તેની સામે કાર્યવાહી કરવા લેખિત ંફરિયાદ કરી છે. રમેશભાઇએ ફરિયાદમાં  કરી જણાવ્યું છે કે હું નોકરી કરુ છું. કિશોરભાઇ મનસ્વી ફાયનાન્સના સંચાલક છે અને ફીનક્રોપના એજન્ટ છે. હું નોકરી કરતો હતો એ ઓફિસ ભાડાપટ્ટાની હોઇ તેના મુળ માલિક એવા કિશોરભાઇ સાથે મારે ઓળખ થઇ હતી. ૨૦૧૯માં તેણે મને કહેલું કે આપણે બંને કંપનીઓમાં રોકાણ કરીએ તો દર મહિને ૫ ટકા જેટલુ વળતર મળશે. તેણે આપેલી ખાત્રીને કારણે મેં મારા પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ પાસે ફાયનાન્સ અને ફીનક્રોપમાં કટકે કટકે રૂ. ૨૧,૫૦,૦૦૦નું રોકાણ કરાવ્યું હતું. તે વખતે કિશોરભાઇએ વિશ્વાસ આપ્યો હતો કે દર મહિને વ્યાજ મળશે.

રમેશભાઇએ પોતાના મારફત કંચનબેન ભરતભાઇ કણસાગરાના રૂ. ત્રણ લાખ, રીન્કુબેન અશોકભાઇ જાળીયાના ૫૦-૫૦ હજાર, પોતાના ૩ લાખ, ૫૦ હજાર અને ૫ લાખ, ચેતનાબેન રમેશભાઇ કલસરીયાના રૂ. ૩ લાખ, અંકુશકુમારના રૂ. ૨ લાખ અને ૫૦ હજાર ૨૦૧૯માં અલગ અલગ તારીખે રોકાણ કરાવ્યા હતાં.

મનસ્વી ફાયનાન્સ અને આઇએસએલ ફિનક્રોપનો લેટર આપ્યોહ તો. તે વખતે તેણે રોકાણ સફળતા પુર્વક થઇ ગયાનું અને દર મહિને વળતર ચુકવી અપાશે તેવી ખાત્રી આપી હતી. તેમજ રોકાણ કરેલી રકમ ૨૦૨૧માં પરત આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.  તે અંગેનો કન્ફર્મેશન લેટર પણ અપાયો હતો. જો કે ત્યારબાદ તેણે વિશ્વાસઘાત કરી રોકાણ કરનારા કોઇને નક્કી થયા મુજબ વળતર આપ્યું નથી. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત ફરિયાદના અંતમાં રમેશભાઇએ માંગણી કરી છે.

(2:54 pm IST)