Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કાલે રાષ્ટ્રીય વાંચન દિવસ

વાંચન વ્યકિતના દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પુરી શકે

વાંચન કોઇકના માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઇકના માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક. વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસુ છે. સારૃં વાંચન વ્યકિતને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. વાંચન માટે પુસ્તક એ સૌથી જુનું અને પ્રચલિત માધ્યમ છે. જે આજે ડીઝીટલી પણ ઉપલબ્ધ છે. પૂસ્તકો ઘણાં બધા પ્રકારના હોય છે.  પણ દરેક પુસ્તકમાં કોઇને કોઇ ખજાનો છુપાયેલો હોય છે. વાંચનનું મહત્વ વ્યકિતને ત્યારે જ સમજાય જયારે વ્યકિત પુસ્તક વાંચવાનું શરૂ કરે. પુસ્તકમાં રહેલા ઉંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય. વાંચનથી વિચારોને મોકળાશ મળે છે. વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે. જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે. યોગ્ય વિચાર કે વિચારોની મોકળાશ એ વાંચનથી જ શકય છે. ગેરીસન કેઇલર નામના એક પ્રસિધ્ધ વ્યકિતએ પુસ્તક માટે ખૂબ સરસ વાકય કહ્યુ છે. પુસ્તકોના વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવે છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યકિતની કલ્પનાશકિત વધે છે. વાણીમાં વિનય આવતા અને વિવેક આવતા વ્યકિતત્વ ખીલે છે. વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે. બાળકને નાનપણથી જ વાંચનની આદત કેળવવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસે છે. આમ વાંચન થકી વ્યકિતના વર્તનમાં નિખાલસતા, દયા, સદ્દભાવના, ભાઇચારો, વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે.

 

- મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯)

(2:50 pm IST)