Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રવિ સોમ બે દિવસીય વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટ

મુંબઈના નિષ્ણાત ડોકટર કોવિડ અને રસીકરણ અંગે માહિતી આપશે : હાસ્ય કલાકાર સાંઈરામ દવે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ અંગે જાણકારી આપશે : બન્ને દિવસ સવારે ૬-૩૦ કલાકે ઈવેન્ટનું ફેસબુક અને યૂટ્યૂબ પર લાઈવ પ્રસારણ

રાજકોટ તા.૧૮ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી ૨૧ જૂન વિશ્વય યોગ દિવસ નિમિતે બે દિવસીય લાઈવ યોગા મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ તેમજ યૂ-ટ્યૂબ ચેનલ પર પ્રસારણ થશે. યોગા ઈવેન્ટનો સર્વે ભાવિક-ભકતોને લાભ લેવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટી મંડળ વતી અનુરોધ કરાયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પણ સતત પાંચમી વખત યોગા ઈવેન્ટનું આયોજન થઈ રહ્યું છે. તા.૨૦ ના રવિવારે સવારે ૬-૩૦ થી ૭-૩૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર એશિયાના સુપ્રસિદ્ઘ ડોકટર સુજીત રાજન  MD (Chest) DETRD, DNB (Resp. Med), મુંબઈ, પ્રી અને પોસ્ટ કોવિડ કેર અને રસીકરણથી માહિતગાર કરશે. તેમજ બીજા ગેસ્ટ સ્પીકર દેશ અને વિદેશમાં લોકપ્રિય એવા હાસ્ય કલાકાર, લેખક, કવિ અને શિક્ષક સાંઈરામ દવે સ્ટ્રેસ મેનેજમેન્ટર અને હેલ્થ મેનેજમેન્ટની જાણકારી આપશે.

બીજા દિવસે એટલે કે તા. ૨૧ ના સોમવારના સવારે ૬-૩૦ થી ૭-૩૦ કલાક દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ તેમજ યૂ-ટ્યૂબ ચેનલ પર વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. બન્ને દિવસ યોગા ઈવેન્ટનું લાઈવ પ્રસારણ ફેસબુક અને યૂટ્યૂબના માધ્યમથી લોકો ઘરે બેઠા નિહાળી શકશે.

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક લોકો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવી શકિતનો સંચાર થાય છે. આ વાત તમામ વૈજ્ઞાનિકોએ સ્વીકારી છે. યોગ કરવાથી ઓકિસજન લેવલ પણ વધે છે. આદિકાળથી યોગનું મહત્વ રહેલું છે.કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ચ્યૂઅલ યોગાનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આ વર્ષે પણ બે દિવસીય વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટમાં તમામ લોકોને જોડાવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ આયોજિત વર્ચ્યૂઅલ યોગા મેગા ઈવેન્ટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની તમામ સમિતિઓ, સર્વ સમાજ, જ્ઞાતિ સંસ્થા, તમામ એસોસિએશન, શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈને દેશ-વિદેશ સુધી વિશ્વ યોગ દિવસની તૈયારીમાં સહકાર આપી રહ્યા છે. ગુજરાતના વિશ્વ વિખ્યાત લોકસાહિત્યકારો, સુપ્રસિદ્ઘ હાસ્યકારો, ભજનિકો, સુગમ સંગીતના કલાકારો વગેરે આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાઈને દરેક ઘરના લોકો સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના 'માનવસેવા પરમો ધર્મ'ના સેવા કાર્યમાં સહયોગ આપવા ઉત્સાહિત છે.

(11:48 am IST)