Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આમને સામને

જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી ભરી દેવા મતદાર એકતા મંચની હાકલઃ નિયમ મુજબ પ્રવેશ માટે મેયર મક્કમ

રાજકોટ તા. ૧૮ :.. મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં નાગરીકોને સરળતાથી પ્રવેશ મળે તે માટે લડત ચલાવી રહેલા મતદાર એકતા મંચનાં અશોકભાઇ પટેલે આવતીકાલે જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરીને ભરી દેવા નાગરીકોને હાકલ કરી છે તો બીજી તરફ પ્રેક્ષક ગેલેરીમાં નિયમ મુજબ કોર્પોરેટરની ભલામણવાળા લોકોને જ પ્રવેશ આપવા બાબતે મેયર બીનાબેન આચાર્ય મક્કમ છે.

આ અંગે અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે મંગળવારે કોર્પોરેશન ચોકમાં કોર્પોરેશનની મુખ્ય કચેરી સેન્ટ્રલ ઝોનની બહાર રાજકોટ મતદાર એકતાં મંચ દ્વારા ૧૧ થી ૬ સુધી ધરણાનું આયોજન કરેલ હતું.

ધરણા સ્થળ પર બેનરો, સુત્રો, સુત્રોચ્ચાર, ઢોલ, માઇક વગેરે સાથે ધરણા શરૂ થયેલ છે. ધરણાને સફળ કરવા માટે મંચના સાથીઓ પ્રવિણભાઇ લાખાણી, આસીફભાઇ શેખ, મહેશભાઇ મહીપાલ, મુનાફભાઇ મેમણ, મયાબેન મલ્કાણ, અમીત કાંતા પટેલ, જી. બી. પરમાર, ઉત્તમ રાઠોડ, પ્રતિક વસોયા, વલ્લભ મશરૂ, કે. એ. મહેતા, ડો. ધર્મેશ ગોહેલ, ઇશ્વરભાઇ મકવાણા, જયોતિબેન માઢક, ચંદાબેન પટેલ વગેરે જહેમત ઉઠાવીને ઉત્સાહપૂર્વક પરિશ્રમ ઉઠાવી રહ્યા છે.

પબ્લીક ગેલેરીમાં પબ્લીકને પહોંચતા કોર્પોરેશન કે સરકાર તથા કાયદો કે નિયમ કોઇ જ રોકી શકશે નહીં. આથી મંચના સાથીઓએ દરેક નાગરિકોને ધરણામાં હાજરી પુરાવવા અનુરોધ કરેલ છે.

  કાલે  તા. ૧૯ બુધવારે કોર્પોરેશનમાં જનરલ બોર્ડની મીટીંગ છે. આ મીટીંગ દરમ્યાન પબ્લીક ગેલેરીને છલકાવી દેવા હાકલ કરતા મંચ જણાવે છે કે દરેક નાગરીકો એક ઝેરોક્ષ તથા અસલ ઓળખપત્ર સાથે સવારે ૧૧ વાગ્યે કોર્પોરેશને પહોંચીને પબ્લીક ગેલેરીમાં હાજરી પુરાવીને લોકતંત્રને મજબુત કરવું જરૂરી છે.

જયારે મેયર બીનાબેન આચાર્યએ આ બાબતે મક્કમતાં પૂર્વક જણાવેલ કે પ્રેક્ષક ગેલેરીમાં નિયમ મુજબ પ્રવેશ અપાશે.  આમ છતાં જો કોઇ નિયમ વિરૂધ્ધ પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો કડક પગલા લેવાશે.

આમ આવતીકાલનાં જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશનાં મુદે ડખ્ખો થવાના એંધાણ છે.

(3:50 pm IST)