Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગુરૂ દતાત્રેય સહકારી મંડળીનો રૂ. ૧.૧૧ કરોડ નફો, ૫૦૦૦થી વધુ સભાસદોને ૧૩મી વખત ભેટ

ટીમ ટપુભાઈએ ૧૯૯૯માં વાવેલુ બીજ બન્યુ વટવૃક્ષઃ વાણિયાવાડીમાં શાખા ખોલાશે : ૩ાા કરોડથી વધુ રિઝર્વ ફંડઃ ભેટ વિતરણ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં

રાજકોટ, તા. ૧૮ :. સહકારી ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મંડળીના કાર્યાલય 'દત્ત ભવન', સંત કબીર રોડ ખાતે મળેલ. જેમાં મંડળીના અધ્યક્ષ ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી ટપુભાઈ લીંબાસીયાએ મંડળીની અવિરત પ્રગતિની ઝલક આપી હતી. વિતેલા નાણાકીય વર્ષઃ ૨૦૧૮-૧૯માં મંડળીનો ચોખ્ખો નફો રૂ. ૧,૧૧,૩૧,૮૨૯ થયેલ છે. મંડળીમાં કુલ ૫૦૦૦થી વધુ સભાસદો છે. અત્યાર સુધીમાં અગાઉ બાર વખત ભેટ અપાઈ ગઈ છે. આ વર્ષે ફરીથી ભેટ આપવાનું આયોજન છે. ભેટ વિતરણ ઓગષ્ટ-સપ્ટેમ્બર મહિનામાં થશે. જેનો વિગતવાર કાર્યક્રમ વિતરણ પૂર્વે થોડા દિવસે મંડળીના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.

સામાન્ય સભામાં અધ્યક્ષ શ્રી ટપુભાઈએ જણાવેલ કે, ૧૯૯૯માં સહકારી ક્ષેત્રે આપણી મંડળીનું બીજ રોપાયેલ જે આજે સૌ સભાસદોના સહયોગ તેમજ સંચાલક મંડળની સુઝબુઝ અને સ્ટાફની નિષ્ઠાથી ઘેઘુર વૃક્ષ બની ગયુ છે. મંડળીને ૩૩૩-૦ ચોરસ વાર જગ્યામાં પોતાની માલિકીનું મકાન છે. મંડળી પેટાનિયમોને આધિન સામાજીક અને સેવાકીય ક્ષેત્રે પણ ઉપયોગી થવા પ્રયત્નશીલ છે. મંડળીને પ્રથમ વર્ષથી જ ઓડીટમાં 'એ' વર્ગ મળે છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં મંડળીનો ચોખ્ખો નફો રૂ. ૧,૧૧,૩૧,૮૨૯ થયેલ છે. મંદીનો માહોલ અને બેન્ક વ્યાજમાં ઘટાડો છતા મંડળીના નફામાં વૃદ્ધિ કરી શકાયેલ  છે. વિતેલા નાણાકીય વર્ષમાં મંડળીએ રૂ. ૧૪,૭૨,૫૦,૩૬૦નું ધીરાણ આપેલ છે. તેમજ મંડળી પાસે રૂ. ૮,૭૫,૬૪,૫૨૯ ની ડીપોઝીટ રહી છે. મંડળીમાં કોઈપણ થાપણદાર બાંધી મુદત માટે થાપણ મુકે તો મંડળી દ્વારા તેને આકર્ષક વ્યાજ આપવાની જોગવાઈ છે. મંડળીના સભાસદને કિડની, કેન્સર અને હૃદયની બીમારી માટે રૂ. ૫૦૦૦ સુધીની સહાય આપવાની જોગવાઈ છે. તેની વિસ્તૃત માહિતી મંડળીના કાર્યાલયમાં ઉપલબ્ધ છે. મંડળી પોતાની કમાયેલી મુડી (રિઝર્વ ફંડ) કુલ રકમ રૂ. ૩,૫૯,૪૩,૬૬૨ ધરાવે છે. તે મંડળીની આર્થિક સધ્ધરતાનો ખ્યાલ આપે છે.

મંડળીનો વ્યાપ વધારી વધુ લોકો સુધી તેના મીઠા ફળ પહોંચાડવા ૮૦ ફુટના રોડ નજીક વાણીયાવાડી વિસ્તારમાં મંડળીની નવી શાખા શરૂ કરવાની યોજના છે. તે માટે જમીનની ખરીદી કરવામાં આવેલ છે.

શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે ટપુભાઈ લીંબાસીયા અને ઉપપ્રમુખ તરીકે શ્રી ગોરધનભાઈ કાપડીયા સબળ નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. બોર્ડ ઓફ ડીરેકટર્સમાં એસ.આર. પટેલ, જગદીશભાઈ લાઠીયા, જયેશભાઈ બોઘરા, ધરમશીભાઈ નાથાણી, છગનભાઈ રાબડીયા, કમલેશભાઈ પટેલ, મનસુખભાઈ વેકરીયા, અરજણભાઈ મકવાણા, શાંતાબેન વેકરીયા, હિનાબેન લીંબાસીયા અને  જગદીશભાઈ લીંબાસીયાનો સમાવેશ થાય છે. કાનજીભાઈ ચારોલીયા, પરષોતમભાઈ (બાબુભાઈ) વેકરીયા કો-ઓપ્ટ ડિરેકટર તરીકે સેવા આપે છે. મુખ્ય વ્યવસ્થાપક તરીકે જીતુભાઈ ઢોલરીયા કાર્યરત છે. વધુ માહિતી માટે મંડળીના કાર્યાલય ફોન નં. (૦૨૮૧) ૨૭૦૫૦૧૫ ઉપર સંપર્ક સાધી શકાય છે. સભાસદોએ મંડળીના સંચાલન અને ગતિ સાથેની પ્રગતિ અંગે સંતોષ વ્યકત કર્યો હતો.

(3:22 pm IST)