Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સભ્યોની 'અપેક્ષા' મુજબના 'વરસાદ'ના અભાવે અવિશ્વાસ દરખાસ્તનો 'કાગડો'

જિલ્લા પંચાયતમાં ભાજપનું કમળ ખીલવા આડે વમળ

રાજકોટઃ જિલ્લા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી અવિશ્વાસ દરખાસ્ત મુકી સતા પલ્ટો કરવા માટે મથી રહેલા ભાજપ માટે સતા પરિવર્તન હજુ ઝાંઝવાના જળ જેવી બાબત છે. લોકસભાની ચુંટણી પછી પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવી સતાપલ્ટો કરાવવા ભાજપે નવેસરથી પ્રયાસો હાથ ધરેલ પરંતુ સભ્યોના ચોક્કસ પ્રકારના વલણના કારણે હજુ સુધી સફળતા મળી નથી. આવતીકાલે સામાન્ય સભા છે. ભાજપ અવિશ્વાસ દરખાસ્ત બાબતે હજુ નક્કર નિર્ણય પર નથી. હાઇકમાન્ડની લીલીઝંડીના બહાને સમય પસાર કરવામાં આવી રહયો છે.

ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ હાલ ભાજપના ર અને ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના ૧૬ સહિત ૧૮ સભ્યોનું સંખ્યાબળ છે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવા માટે ઓછામાં ઓછા ર૪ સભ્યોના સમર્થનની જરૂર રહે છે. ખુટતા કેટલાક સભ્યોએ સહી કરી આપી છે પરંતુ સામાન્ય સભામાં સમર્થનમાં આંગળી ઉચી કરવા માટે પંચાયતમાં પ્રચલિત પધ્ધતી મુજબની અપેક્ષા રાખી છે. ભાજપમાં જોડાઇ ગયેલા સભ્યો પૈકી અમુક સભ્યો પણ ઉચી અપેક્ષા રાખી રહયા છે. આ બધાની અપેક્ષા પુરી કોણ કરે? તે સવાલ મુખ્ય છે. અવિશ્વાસ દરખાસ્તમાં ટેકો આપવાના બદલામાં કેટલાક સભ્યોએ જે શરત મુકી છે તેને પુરી કરવાનો ભાજપના સુત્રધારોને વ્યાજબી લાગતુ નથી. આ વખતની હિલચાલના સુત્રધાર નિષ્ક્રીય થઇ ગયા છે. જે એક-બે બાગી સભ્યો અવિશ્વાસ દરખાસ્તની ગતીવિધિ કરી રહયા છે તેના પર બાકીના સભ્યોને પુરતો ભરોસો નથી. હાલ તુર્ત અવિશ્વાસ દરખાસ્તવાળી વાત અભેરાઇએ ચડી ગઇ છે. મોસમની ભાષામાં કહીએ તો કેટલાક સભ્યોની અપેક્ષા મુજબના વરસાદના અભાવે અવિશ્વાસ દરખાસ્તનો કાગડો થઇ ગયો છે. પંચાયતની સામાન્ય ચુંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહયો છે. જો નજીકના ભવિષ્યમાં નવાજુની શકય ન બને તો જેમ ચાલે છે તેમ ચાલવા દઇને મુદત પુરી કરાવવાનો ભાજપનો ઇરાદો હોવાનું ટોચના વર્તુળો જણાવે છે.

(1:19 pm IST)