Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કાલે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભાઃ ભાજપમાં ગયેલા સભ્યોને પણ કોંગી 'વ્હીપ' આપશે

બન્ને તરફ સરખા (૧૮-૧૮) સભ્યોઃ નિરીક્ષક તરીકે બ્રિજેશ મેરજા

રાજકોટ, તા., ૧૮: જિલ્લા પંચાયતની સામાન્ય સભા આવતીકાલે તા.૧૯મીએ સવારે ૧૧ વાગ્યે પ્રમુખ અલ્પાબેન ખાટરીયાની અધ્યક્ષતામાં મળનાર છે. લોકસભાની ચુંટણી પછી અને કોંગ્રેસના ૧૬ સભ્યોના સામુહીક પક્ષપલ્ટા પછી કાલે પ્રશ્નોતરી સાથેની પ્રથમ સામાન્ય સભા મળનાર છે. જેમાં સભ્યોએ ૪૦ થી વધુ પ્રશ્નો પુછયા છે. અમુક કામોમાં વિલંબ અને કામની ગુણવતા બાબતે વહીવટી તંત્ર પર રાબેતા મુજબ તડાપીટ બોલવાની શકયતા છે. રાજકીય નવાજુનીની સંભાવના નહિવત છે છતાં રાજકીય વર્તુળોની મીટ મંડાયેલી છે. ભાજપમાં ગયેલા કોંગ્રેસના ૧૬ સહીત કોંગ્રેસના નિશાન પર ચુંટાયેલા તમામ ૩૪ સભ્યોને પાર્ટી તરફથી પાર્ટીના આદેશ મુજબ સામાન્ય સભામાં વર્તવા વ્હીપ અપાશે. આ અંગેની કામગીરી માટે નિરીક્ષક તરીકે મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા આવી રહયા છે.

જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસ ભાજપ બંન્ને પાસે ૧૮-૧૮ સભ્યો છે. કાલે બળાબળના પારખાનો કોઇ પ્રસંગ ઉભો થાય તો વાસ્તવમાં કોની સાથે કેટલા તે ખ્યાલ આવી જશે. પક્ષાંતર ધારાના કેસમાં નામોનિર્દેશ અધિકારીએ બાગી સભ્યોની તરફેણમાં ચુકાદો આપ્યો છે. તેની સામે ખાટરીયા જુથે હાઇકોર્ટમાં ધા નાખી છે. હાલ આ મામલો હાઇકોર્ટમાં છે. ૧૬ સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છતાં સામાન્ય સભામાં સતાવાર રીતે તેમને સ્થિતિ સ્પષ્ટ કરવાની ફરજ પાડવા કાલે કોંગ્રેસ દ્વારા વ્હીપ અપાશે. જો વ્હીપનો અનાદર કરે તો પક્ષાંતર ધારાનો મુદ્દો વધુ મજબુત બનશે. વ્હીપને માન્ય રાખે તો તેમના રાજકીય વલણ બાબતે પ્રશ્નો ઉભા થશે. બાગી જુથના વર્તુળોનું કહેવું છે કે જો સામાન્ય સભામાં રાજકીય વિક્ષેપ કરવામાં આવે તો સમીતીઓની કામગીરીને બહાલી ન મળી શકે. હાલ તમામ સમીતીઓમાં બાગીઓનું રાજ છે. બાગીઓ કાલે રાજકીય રીતે કંઇ નવાજુની કરવાના મુડમાં નથી. બંન્ને પક્ષે પોતાના સભ્યોને છુટા રાખ્યા છે. કાલે સીધા સામાન્ય સભામાં હાજર રહે તેવું જણાવાયું છે. ચર્ચામાં કોનુ વલણ કેવું રહે છે તે ધ્યાન ખેંચનારી બાબત બનશે.(૪.૫)

(1:18 pm IST)