Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સંત મિલન સાથે સાધુ સમાજની પ્રતિભાઓનું સન્માન

રાજકોટ : ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તાજેતરમાં આત્મીય યુનિવર્સિટી પરિસરમાં સાધુ સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત શ્રેષ્ઠીઓ- પ્રતિભાઓનું અભિવાદન અને સંતો મહંતોનો મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. રામાયણી સંતશ્રી પૂ. મોરારીબાપુની ઉપસ્થિતીમાં યોજાયેલ આ સમારોહના પ્રારંભે સ્વાગત પ્રવચન ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ વિષ્ણુબાપુ દેશાણીએ કરેલ. કાર્યક્રમમાં આત્મીય સંકુલના પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને આર્ષ વિદ્યામંદિરના પૂ. સ્વામિ પરમાત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેલ અને સન્માનાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તાજેતરમાં પ્રયાગરાજ ખાતે કુંભમાં મહામંડલેશ્વરની ઉપાધી મેળવનાર અખગઢ મહુવા હરીગુરૂધામ રામમંદિરના મહામંડલેશ્વર શ્રી પૂ. વસંતદાસબાપુ, જુનાગઢ વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ સુર્ય મંદિર જુનાગઢના મહામંડલેશ્વર શ્રી પૂ. જગજીવસનદાસ બાપુ, તાજેતરમાં સૌ.યુનિ.ના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી તથા ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ અને પી.આઇ. તરીકે સેવા નિવૃત્ત થયેલ શ્રી વિષ્ણુબાપુ દેશાણીનું પૂ. મોરારીબાપુના હસ્તે ફુલહાર અને શાલ ઓઢાડી અભિવાદન કરાયુ હતુ. સન્માનાર્થીઓ વતી મહામંડલેશ્વર પૂ. જગજીવનદાસ બાપુએ પ્રતિભાવ આપી જણાવેલ કે સાધુ સંતોની ઉપસ્થિતીમાં સન્માન થાય અને ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે. અહીં આશીર્વચનો આપતા પૂ. મોરારીબાપુએ જણાવેલ કે સાધુને સમાધીનો જન્મ જન્માંતરનો નાતો છે. પ્રતિભાઓના સન્માન બદલ તેઓએ ખુશી વ્યકત કરી હતી. આ તકે પૂ. બાપુએ કબીર, કવિ નરસિંહ મહેતાને પણ યાદ કર્યા હતા. કાર્યક્રમમાં શોલા ભાગવત વિદ્યાપીઠના પૂ. રામેશ્વરદાસ હરીયાણી, સૌ.યુનિ. ના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદી તેમજ વિવિધ જગ્યાના સંતો મહંતો અને ગાદીપતિઓ, સાધુ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સૌ.યુનિ. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડો. નિતીનભાઇ વડગામાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વૈષ્ણવ સાધુ સમાજના પ્રવિણભાઇ દુધરેજીયા, મુકેશભાઇ દેશાણી, ગૌરવભાઇ દેશાણી, હિતેષભાઇ દેશાણી, હરેશભાઇ દેશાણી, કપીલભાઇ દુધરેજીયાએ જહેમત ઉઠાવી હતી.

(11:49 am IST)