Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

બોલેરોએ બાઇકને ઠોકરે ચડાવતાં કુવાડવાના રાજેશભાઇ કોળીનું મોતઃ મિત્ર દેવાભાઇને ઇજા

ધમલપરથી રાણપુર જવાના રસ્તે સાંજે જીવલેણ અકસ્માતઃ બંને મિત્રો ધમલપરથી પાછા આવતા'તા ત્યારે બનાવઃ ચાલક જીજે૩બીટી-૦૪૨૮ નંબરની બોલેરો મુકી ભાગી ગયો

રાજકોટ તા. ૧૮: કુવાડવાના ધમલપરથી રાણપુર જવાના રસ્તે સાંજે બાઇકને બોલેરો ગાડીના ચાલકે ઉલાળી દેતાં કુવાડવાના બાઇક ચાલક કોળી આધેડ  અને પાછળ બેઠેલા તેમના મિત્ર ફંગોળાઇ ગયા હતાં. જેમાં બાઇક ચાલકનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. ચાલક ગાડીને લોક કરી અકસ્માત સ્થળે મુકીને ભાગી ગયો હતો.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રહેતાં રાજેશભાઇ ગોરધનભાઇ બાહુકીયા (ઉ.૪૫) નામના કોળી આધેડ સાંજે પાંચેક વાગ્યે પોતાનું બાઇક જીજે૩જેકે-૮૯૧૨ લઇને ધમલપર ગામે કામ સબબ ગયા હતાં. પોતાની સાથે મિત્ર દેવાભાઇ નરસીભાઇ થરેચાને પણ લઇ ગયા હતાં. સાંજે છએક વાગ્યે બંને પરત કુવાડવા તરફ આવી રહ્યા હતાં ત્યારે ધમલપરથી રાણપુર જવાના રસ્તે પહોંચ્યા તે વખતે સામેથી આવતી બોલેરો પીકઅપ ગાડી જીજે૩બીટી-૦૪૨૮ની ઠોકરે બાઇક ચડી જતાં રાજેશભાઇ અને મિત્ર દેવાભાઇ બંને ફંગોળાઇ ગયા હતાં.

જેમાં રાજેશભાઇને માતા-હાથ-પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. ૧૦૮ને બોલાવાઇ હતી. પણ તેના ઇએમટીએ તેમને મૃત જાહેર કર્યા હતાં. જ્યારે દેવાભાઇને માથા-હાથ-પગ-ઢીંચણમાં મુંઢ ઇજા થતાં સારવાર લીધી હતી. અકસ્માત સર્જી ચાલક ગાડીને લોક કરી ત્યાં જ મુકીને ભાગી ગયો હતો. દેવાભાઇએ અકસ્માતની જાણ મૃતક રાજેશભાઇના પુત્ર રાહુલ બાહુકીયા (ઉ.૧૯)ને કરતાં તેણે ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ આર. એલ. ખટાણાએ તેની ફરિયાદ પરથી બોલેરો ચાલક સામે ગુનો નોંધ્યો છે.

મૃતક પેંડા બનાવવાની મજૂરી કરતાં હતાં. તેના પત્નિનું નામ દયાબેન છે અને સંતાનમાં ત્રણ પુત્રો રાહુલ, રોહન અને ઋત્વીક છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:48 am IST)