Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રતનપરમાં સ્વીગીના ડિલીવરીમેન હિતેષ ચૌહાણ પર સગા ભાઇનો કાચથી હુમલો

નાના ભાઇ ભરતે 'મને ઘરમાં ભાગ કેમ નથી આપતાં?' કહી હુમલો કર્યોઃ માતાને પણ મારકુટ કર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પરના રતનપરમાં રહેતાં સ્વીગીના ડિલીવરીમેન રજપૂત યુવાનને તેના જ સગા નાના ભાઇએ ઘરમાં ભાગ આપવા બાબતે કાચથી હુમલો કરી લોહીલુહાણ કરી નાંખતા અને માતાને પણ મારકુટ કરતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે રતનપર ગામમાં વિનાયક વિલા બ્લોક નં. ૧૯માં રહેતાં અને સ્વીગી હોમ ડિલીવરીમાં નોકરી કરતાં હિતેષભાઇ વિનુભાઇ ચૌહાણ (ઉ.૪૨) નામના રજપૂત યુવાનની ફરિયાદ પરથી તેના જ સગા નાના ભાઇ ભરત વિનુભાઇ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે.

હિતેષભાઇના કહેવા મુજબ પોતે માતા, પત્નિ અને પુત્રો સાથે રહે છે.

નાનો ભાઇ ભરત કુંવારો છે અને એકલો રહે છે. ૧૧/૬ના રોજ તેણે ઘરે આવી પહેલા જમવાનું માંગ્યું હતું, જેથી માતાએ જમવાનું આપ્યુ હતું. એ પછી તેણે 'મારે મકાનમાં ભાગ જોઇએ છે, મને કેમ ભાગ આપતા નથી?' તેમ કહી બોલાચાલી કરી ગાળો દઇ ઝપાઝપી કરી હતી. એ પછી તેણે હોલની બારીમાં પાટુ મારી કાચ ફોડી નાંખ્યો હતો અને કાચના એક ટૂકડાથી હુમલો કરી હાથ પર બે-ત્રણ ઘા મારી દીધા હતાં અને ભાગી ગયો હતો.

પોતાને લોહી નીકળતાં હોઇ પડોશીની કારમાં બેસી ગોકુલ હોસ્પિટલે પહોંચી સારવાર લીધી હતી. ત્યાં દાખલ કરાયો હતો અને ડોકટરે કાચને લીધે હાથની નસ કપાઇ ગયાનું કહ્યું હતું.

સારવારમાં રોકાયેલ હોવાથી  હવે ફરિયાદ કરી છે. ભરતે માતાને પણ મારકુટ કરી હતી. એએસઆઇ ડી. કે. ડાંગરે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:21 am IST)