Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કુવાડવા જીઆઇડીસી પાસે કારની ઠોકરે બાઇક ચડતાં સુથાર વૃધ્ધ અનિલભાઇ પીઠડીયાનું મોત

મિત્રની વાડીએ આટો મારી પરત આવતી વખતે કાળ ભેટી ગયો : બાઇક મિત્ર ગફારભાઇ ધોણીયાને હાથમાં ફ્રેકચરઃ જીજે૩એફડી-૯૫૪૯ નંબરની કાર મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૮: કુવાડવા જીઆઇડીસી પાસે સાંજે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક ચાલક કુવાડવાના મુસ્લિમ વૃધ્ધને હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું અને તેમની પાછળ બેઠેલા મિત્ર કુવાડવાના સુથાર વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બંને મિત્ર વાડીએથી આટો મારી પરત આવી રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ કુવાડવા ગામમાં રહેતાં અનિલભાઇ અમરશીભાઇ પીઠડીયા (ઉ.૫૮) નામના સઇ સુથાર વૃધ્ધ સાંજે ગામના જ પોતાના મિત્ર ગફારભાઇ ધોણીયા સાથે બાઇક નં. જીજે૩જેએચ-૩૧૬૫માં બેસી તેમની વાડીએ આટો મારવા ગયા હતાં. ત્યાંથી બંને પરત કુવાડવા તરફ આવવા જીઆઇડીસી નજીક રોડ ચડ્યા ત્યાં જ કાર નં. જીજે૩એફડી-૯૫૪૯ની ઠોકરે ચડી જતાં બંને ફંગોળાઇ ગયા હતાં.

અકસ્માત સર્જી કાર મુકીને ચાલક ભાગી ગયો હતો. અનિલભાઇને માથા-પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે મિત્ર ગફારભાઇને ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયું હતું. મૃતક ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી સુથાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

કુવાડવાના પીએસઆઇ આર. એલ. ખટાણાએ મૃતક વૃધ્ધના ભાઇ એરપોર્ટ રોડ પર અવંતિકા પાર્ક-૪માં રહેતાં જગદીશભાઇ અમરશીભાઇ પીઠડીયા (ઉ.૫૫)ની ફરિયાદ પરથી અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(11:20 am IST)