Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી ખોલી નંખાઇ છેઃ મેયર

મતદાર એકતા મંચ લોકોને ગેરમાર્ગે દોરે છે : નિયમ મુજબ કોર્પોરેટરોના ભલામણ પત્રના આધારે જ સામાન્ય નાગરીકોને પ્રવેશ અપાશેઃ બીનાબેન આચાર્યની સ્પષ્ટ વાત

રાજકોટ, તા., ૧૭: મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડની પ્રેક્ષક ગેલેરી સામાન્ય નાગરીકો માટે ખોલી નંખાઇ છે. છતાં મતદાર એકતા મંચ આ મુદ્દે ધરણાનાં કાર્યક્રમો યોજીને લોકોને ગુમરાહ કરી રહયાનું મેયર બીનાબેન આચાર્યએ એક નિવેદનમાં જણાવ્યું છે.

મેયર બીનાબેન આચાર્યએ આ બાબતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગામી તા.૧૯ના રોજ મળનાર જનરલ બોર્ડમાં સામાન્ય નાગરીકોને નિયમ મુજબ કોર્પોરેટરોના ભલામણ પત્રનાં આધારે પ્રવેશ અપાશે છતાં મતદાર એકતા મંચ દ્વારા ધરણાના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે તે અયોગ્ય છે.

પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટેના નિયમો

આ તકે મેયરશ્રીએ જનરલ બોર્ડની ગરીમા જાળવવાં માટે આ મુજબના નિયમો પાળવા નાગરીકોને જાહેર અનુરોધ કર્યો છે. મહાનગર પાલીકાના સેક્રેેટરી તરફથી દરેક સભ્યને તેમના મહેમાન માટે પ્રેક્ષક કક્ષમાં પ્રવેશ આપવા માટે સભાના એક કલાક અગાઉથી સભાગૃહની પ્રેક્ષક કક્ષની બેઠક સંખ્યાની મર્યાદામાં દરેક સદસ્યને સરખા સંખ્યામાં પાસ આપવામાં આવશે. પ્રેક્ષકની કક્ષની બેઠકો માટેના ૧૦ પ્રવેશપત્રો મેયરશ્રીના મહેમાનો માટે અનામત રહેશે. જો પાસ માટેનો ઘસારો વધારે હશે તો પ્રવેશપત્રોનો સમય ર કલાક પુરતો મર્યાદીત રહેશે.

જો કોઇ પણ મુલાકાતી સભાના કામકાજને ખલેલ પહોંચાડશે તો મેયર તેમને પ્રેક્ષક કક્ષ ખાલી કરીને તાત્કાલીક ચાલ્યા જવા નિર્દેશ કરે અને મુલાકાતીઓ તે મુજબ ચાલ્યા જવુ પડશે. મુલાકાતી તેમ નહી વર્તે તો મેયર અગર તો અધ્યક્ષસ્થાન લેનાર પ્રાધીકારી તેમને દુર કરવા માર્શલને આદેશ આપશે.

(11:49 am IST)